Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

એચડીએફસી સાત ડિસેમ્બરે રકતદાન અભિયાન ચલાવશે

લોહીની અછતને લઇ રાષ્ટ્ર વ્યાપી જાગૃતિ ઝૂંબેશઃ ૧૦૪૦ શહેરોની ૩૨૦૦ શિબિરોમાં રકતદાન કેન્દ્રો શરૂ કરાશે : મહત્તમ બ્લડ એકત્રિકરણ કરવાનો ઉમદા પ્રયાસ

અમદાવાદ, તા.૫: એચડીએફસી બેંક તેની નેશનલ બ્લડ ડોનેશન ઝૂંબેશની ૧૨મી એડિશન તા. ૭ ડિસેમ્બરે યોજી રહી છે. બેંક સામાજીક કામગીરીઓ જે છત્ર હેઠળ યોજે છે તે પરિવર્તન ના નેજા હેઠળ આ ઝૂંબેશ હાથ ધરાઈ છે. આ વર્ષે વધુને વધુ લોકોને પ્રેરણા આપીને રકતદાન માટે પ્રોત્સાહિત કરવા અનુરોધ કરાયો છે. આના દ્વારા ભારતની કોઈ કંપનીએ એક જ દિવસે સૌથી વધુ પ્રમાણમાં રકતદાન કર્યું હોય તેવું ઉદાહરણ ઉભુ કરવાનો પ્રયાસ કરાશે એમ એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ઓપરેશન્સ, શ્રી ભાવેશ ઝવેરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૭ ડિસેમ્બરની તૈયારીના ભાગ રૂપે બેંકે હેશટેકસ્ટોપમીથાની હેશટેકયોરબ્લડમેટર્સ નામની એક ઝૂંબેશ હાથ ધરી છે, જેમાં સામાન્ય નાગરિકો અને ખાસ કરીને યુવાનોને કેટલાક કિસ્સાઓ જણાવીને રકતદાન કરવા માટે અનુરોધ કરી તેમને સમાજમાં રોલ મોડલ બનવાનો સંદેશો આપવામાં આવશે. આના કારણે ભારતમાં હાલમાં વાર્ષિક ૧.૯ મિલિયન યુનિટ રકતની તંગી વર્તાય છે તે ધટાડવા પ્રયાસ કરાશે. મુંબઈમાં મીરાં રોડ ખાતે વસતા ૬૪ વર્ષની ઉંમરના જ્યોતિન્દ્ર મિથાનીનો એક કિસ્સો છે, જે પ્રેરણારૂપ બને તેવો છે. વિતેલા ૪૦ વર્ષ દરમ્યાન તેમણે ૧૫૧ વખત રકતદાન કર્યું છે. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ દરમ્યાન જ્યારે આપણાં લશ્કરી દળો માટે રકતની અછત સર્જાઈ હતી ત્યારે તેમણે પ્રથમ વખત રકતદાન કર્યું હતું. ત્યારબાદ તેમણે આ પ્રવૃત્તિને પોતાનું ધ્યેય બનાવ્યું હતું અને દેશમાં રકતની માંગ અને પૂરવઠા વચ્ચે વર્તાતી અછત પૂરવા માટે પ્રયાસ કર્યો હતો. તે વર્ષમાં સરેરાશ ૪ વખત રકતદાન કરતા રહ્યા છે. જ્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની થશે ત્યારે તે રકતદાન કરવાનું બંધ કરશે. મિથાનીને વધતી જતી વયના કારણે તબીબી સલાહ આપવામાં આવી હોવા છતાં તે રકતદાન કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. મિથાનીનું વલણ એવું છે કે ભારતમાં રકતનો પૂરતો જથ્થો પ્રાપ્ત થશે ત્યારે તે રકતદાન કરવાનું બંધ કરશે. બેંકે વાર્ષિક રકતદાન ઝૂંબેશને સાકાર કરીને સામુહિકપણે સમાજમાં દાખલો બેસાડવા પ્રયાસ કર્યો છે. મિથાની જેવા બેંકના ધણાં કર્મચારીઓ છે કે જેમણે રકતદાનને પોતાના જીવનનું મિશન બનાવ્યું છે. એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ- ઓપરેશન્સ, શ્રી ભાવેશ ઝવેરીએ વધુમાં ઉમેર્યું કે, એચડીએફસી બેંકે તેની વાર્ષિક રકતદાન ઝૂંબેશ વર્ષ ૨૦૦૭માં રકતની ધટ નિવારીને રકતદાન માટે હાથ ધરી હતી. તાજા સરકારી આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં ૧.૯ મિલિયન યુનિટ રકતની ધટ વર્તાઈ હતી. જો આ પ્રમાણમાં રકત ઉપલબ્ધ થયું હોત તો ૩,૨૦,૦૦૦ હાર્ટ સર્જરી થઈ શકી હોત અથવા ૪૯,૦૦૦ અંગનું દાન કરી શકાયું હોત. વિતેલા વર્ષોમાં આ પહેલ હાથ ધરીને એચડીએફસી બેંકે ૯ લાખ યુનિટ રકત એકત્ર કર્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ૧ યુનિટ રકતથી ૩ જીવન બચી શકે છે. તા.૭ ડિસેમ્બરે ૧,૦૪૦ શહેરોમાં ૩૨૦૦ થી વધુ શિબિરો યોજીરકતદાન માટેનું આયોજન કરાયું છે.

 

(10:12 pm IST)