Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાજપનું શાસન બેદાગ રહ્યું છે : અમિત શાહે દાવો કર્યો

અમિત શાહે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યાઃ કોંગ્રેસના ચરિત્રમાં વિકાસ નથી માત્ર ભ્રષ્ટાચારઃ ગુંડાઓનું રાજ ખતમ કરી શાંત ગુજરાત બનાવ્યું છે : શાહનો દાવો

અમદાવાદ, તા.૬, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે વિશાળ જનમેદનીને આજે સંબોધી હતી જેમાં અમિત શાહે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજાના સંબંધનો નાતો અભિન્ન અને અતુટ હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૯૯૫થી દરેક ચૂંટણીમાં ગુજરાતની જનતા હંમેશા ભાજપની સાથે રહી છે. ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ અને શાસન બેદાગ રહ્યુ ંછે. શાહે કહ્યું હતું કે, ભાજપે હમેશા પારદર્શક અને પ્રમાણિક વહીવટ આપ્યો છે. એક પણ એવું કામ નથી કર્યું જેના કારણે અમારા કોઇ કાર્યકરોનું મસ્તક શરમથુ ઝુંકાવવું પડે. અમિત શાહે રાહુલ ગાંધી અને પરિવાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે ૬૦ વર્ષ શાસનમાં રહ્યા છો અને સાડા ત્રણ વર્ષનો હિસાબ માંગો છો. આ હિસાબ તો ભારતની જનતાને તમારે આપવાનો હોય. સાડા ત્રણ વર્ષના ભાજપના યશસ્વી શાસનમાં અમારા પર વિરોધીઓ એક પણ ભ્રષ્ટાચાર બાબતમાં આંગણી નથી ચીંધી શક્યા. કોંગ્રેસના શાસનમાં દાયકાઓ સુધી પ્રજા વિજળીના વાંકે અંધારુ વેઠતી અને સમસ્યાઓ સહન કરતી હતી. ભાજપ સરકારે ૧૯ હજાર ગામોમાં વિજળી પહોંચાડી છે. ગુજરાતના દરિયાકાંઠે કોંગ્રેસ સમયે દાણચોરોનું શાસન હતું. નગર અને મહાનગરો ડોનના નામે ઓળખાતા હતા. ગુનાહિત તત્વો અને તેની સાથે સાંઠગાઠ ધરાવતા લોકો હુલ્લડો અને કર્ફ્યુનો માહોલ સર્જતા હતા. ભાજપના શાસનમાં આ બધુ બંધ થયું છે. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તાર દૂધ ઉત્પાદન આધારિત અર્થકારણને કોંગ્રેસે ખતમ કરવાનું કામ કર્યું હતું. તેમના શાસનમાં બધી ડેરીઓને બંધ કરી દેવામાં આવી હતી. અમિત શાહે જુદા જુદા વિષયો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. નર્મદાના નીર જુદી જુદી જગ્યાઓએ પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાના કારણે ગામે ગામ પાણી પહોંચ્યું છે. ૧૦૦૦કરોડના ખર્ચે દ્વારકાધીશના ચરણો સુધી નર્મદાના નીર પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો સફાયો થઇ ચુક્યો છે.

અમેઠીમાં પણ કોંગ્રેસની હાલત કફોડી થયેલી છે. દરમિયાન અમિત શાહે આજે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા તથા વિકાસ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું છે કે, અમિત શાહ આવતીકાલે જુદી જુદી જગ્યાઓએ ઝંઝાવતી પ્રચાર કરનાર છે જેમાં મહિસાગર, મહેસાણા, પાટણ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. મહિસાગરમાં કડાણા દિવડા ગ્રાઉન્ડ ખાતે અમિત શાહે સવારે ૧૧ વાગે સંબોધન કરશે જ્યારે બપોરે એક વાગે સિદ્ધપુર ચાર રસ્તા ખેરાલુમાં સંબોધન કરશે. પાટણ અને ગાંધીનગરમાં પણ અમિત શાહના ભરચક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આધુનિક રાજકારણના ચાણક્ય ગણાતા અમિત શાહની સાથે સાથે અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સંબોધન કરનાર છે.

 

(10:14 pm IST)