Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

અયોધ્યા પ્રશ્ને કોંગી સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારશે

મોદીની વિચારધારાના સરદાર પટેલ વિરોધી હતા : મોદીની માનસિકરીતે બિમાર, સત્ય બોલવાની ટેવ પાડે

અમદાવાદ, તા.૬ : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આનંદ શર્માએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં પોતાના વિવાદીત નિવેદનો અને ટિપ્પણીઓથી વડાપ્રધાનપદની ગરિમાને હાનિ પહોંચાડી રહ્યા છે. આ ચૂંટણીમાં વડાપ્રધાન સત્યથી ભાગી રહ્યા છે અને જૂઠ્ઠાણાંનો મારો ચલાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સત્ય બોલવાની આદ પાડે. વડાપ્રધાન તેમના ભાષણોમાં વારંવાર સરદાર પટેલનો ઉલ્લેખ કરે છે પરંતુ સરદાર પટેલ એ કોંગ્રેસના નેતા હતા અને સરદાર પટેલની વિચારધારા મોદી અને શાહની વિચારધારાથી તદ્દન ભિન્ન હતી એટલે કે, સરદાર પટેલ મોદી અને શાહ જેવી વિચારધારાના પ્રચંડ વિરોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરૂને વડાપ્રધાન બનાવાયા તે મુદ્દે ઇતિહાસનું અપમાન કરી રહ્યા છે. સંસદીય દળની ચૂંટણી ૧૯૫૨માં થઇ હતી. મોદીજી જયારે ખોટુ બોલ્યા ત્યારે તેમને ખબર ન હતી કે, ઇતિહાસ સાચુ બોલે છે. સરદાર પટેલ ૧૯૫૦માં મૃત્યુ પામ્યા હતા. મોદીજીની આજુબાજુ માત્ર ચાપલૂસી કરનારા લોકો જ છે, તેથી તેમને સત્યનો ખ્યાલ નથી આવતો. વડાપ્રધાન મોદીના ડો.બાબાસાહેબ આંબેડકરને લઇ કરેલા નિવેદનના મુદ્દે પણ આનંદ શર્માએ મોદી પર નિશાન સાધ્યું હતું કે, આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ અને આરએસએસના વિચાર દલિત આંદોલન પરત્વે કેવા છે.મોદીનું નિવેદન દુઃખદ છે. બંધારણ સભામાં ડો.બાબાસાહેબ આંબેડકર ન હતા ત્યારે ગાંધીજી અને નહેરૂએ જણાવ્યું હતું કે, બંધારણસભા ડો.બાબાસાહેબ આંબેડકર વિના ના હોઇ શકે. કોંગ્રેસના ડો.જયકરનું સ્થાન ખાલી કરી ડો.આંબેડકરને સ્થાન આપ્યું. આંબેડકર માટે જવાહરલાલે રાજયસભાની સીટ ખાલી કરી આંબેડકરને કાયદાપ્રધાન બનાવ્યા હતા. ડો.કપિલ સિબ્બલને લઇ મોદીએ કરેલા નિવેદનને વખોડતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, અયોધ્યા કેસમાં કોંગ્રેસ પાર્ટી નથી, તેથી મોદીના વિવાદીત આક્ષેપો અસ્થાને છે. હવે ભાજપ નક્કી કરશે કે, કયા વકીલ કયાં લડશે.? અયોધ્યા મામલે સુપ્રીમકોર્ટમાં પડતર કેસમાં સુપ્રીમકોર્ટનો જે કંઇ નિર્ણય આવશે તેને કોંગ્રેસ આવકારશે.

 

(8:43 pm IST)