Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ૫ અગ્રણી સસ્પેન્ડ

પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોંગ્રેસ દ્વારા કાર્યવાહી : મહેજ મજેઠીયા, રાજેન્દ્રસિંહ, લેંબુજી, માવજી પટેલ અને રતનસિંહ રાઠોડને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય

અમદાવાદ,તા.૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી સામે વિરોધ અને અસંતોષ સામે આવ્યા બાદ બંને રાજકીય પક્ષોના કેટલાક સ્થાનિક નેતાઓ અને અગ્રણીઓ-કાર્યકરો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિની ઘટનાઓ પણ સામે આવી હતી, જેમાં બંને પક્ષના મોવડીમંડળ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી કરીને સપાટો બોલાવવામાં આવ્યો છે. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ વિધાનસભા ચૂંટણીમાં પક્ષના આદેશની અવગણના કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પાંચ અગ્રણીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના કોંગ્રેસ પક્ષના શિક્ષાત્મક કાર્યવાહીના નિર્ણયને પગલે કોંગ્રેસના વર્તુળમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે તો, બીજીબાજુ, બળવાખોરી મનસૂબા સેવતી છાવણી અથવા તો જૂથમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોંગી આગેવાનોમાં લીંબડી, પ્રાંતિજ, કાંકરેજ, થરાદ અને લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવાર ઉમેદવારો અનુક્રમે મહેશ મજેઠિયા, રાજેન્દ્રસિંહ કાળુસિંહ ઝાલા, લેંબુજી ઠાકોર, માવજીભાઇ પટેલ અને રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષના આદેશની અવગણના કરી પક્ષનું હિત જોખમાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવા બદલ ઉપરોકત તમામ અગ્રણીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો કોંગ્રેસ દ્વારા કોરડો વીંઝાયો છે. જેના કોંગ્રેસ પક્ષ ખાસ કરીને કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાંચ જણાંને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્શનના સમાચારને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં પણ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આજના આ શિસ્તભંગના પગલા અને કાર્યવાહી મારફતે કોંગ્રેસ પક્ષે કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરથી માંડી ટોચના નેતા, આગેવાન સુધી કડક સંદેશો વહેતો કર્યો હતો કે, પક્ષમાં વિધાનસભા ચૂંટણી ટાણે હવે કોઇપણ પ્રકારની પક્ષવિરોધી પ્રવૃત્તિ સાંખી લેવાશે નહી.

 

(8:33 pm IST)