Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કોંગ્રેસ સત્તા પર આવશે તો, કન્યાને સેનેટરી નેપકીન ફ્રી

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની જાહેરાત : પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધી કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ અપાશે : ૩૩ ટકા મહિલા અનામતનો પણ અમલ

અમદાવાદ,તા.૬ : કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય પ્રમુખ સુષ્મિતા દેવ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી હતી કે, જો કોંગ્રેસની સરકાર બનશે અને કોંગ્રેસ સત્તા પર આવશે તો, ગુજરાતમાં પ્રાથમિક થી લઇ ઉચ્ચ શિક્ષણ સુધી કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તો કન્યાઓને સેનેટરી નેપકીન પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. આ સિવાય ભાજપના રાજમાં કથળી ગયેલી મહિલા સુરક્ષા કોંગ્રેસના શાસનમાં વધુ સુરક્ષિત અને સુદ્રઢ બનાવાશે અને ૩૩ ટકા મહિલા અનામતનો પણ વાસ્તવિક અમલ કરાશે. કોંગ્રેસની આ બંને મહિલા આગેવાનો પ્રિયંકા ચતુર્વેદી અને સુષ્મિતા દેવએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં મહિલાઓની હાલત કફોડી બની ગઇ છે. મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. વડાપ્રધાન મોદી એક બાજુ, બેટી બચાવો, બેટી બઢાવોનું સૂત્ર આપી રહ્યા છે ત્યારે બીજીબાજુ, સરકાર દ્વારા માત્ર રૂ.૧૦૦ કરોડનું જ બજેટ આ માટે ફાળવાયું છે. એટલે કે, એક છોકરી પાછળ માત્ર રૂ.૧.૨૫ ફાળવી કન્યાઓની મશ્કરી થઇ છે. ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થતાં કન્યાઓની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસની સરકાર શિક્ષણમાં પ્રવેશેલા ખાનગીકરણનો અંત લાવશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય પ્રમુખ સુષ્મિતા દેવએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ ભાજપ મહિલા સશકિતકરણી વાતો કરે છે અને બીજીબાજુ, નલિયાકાંડ જેવી ઘટનાઓમાં ભાજપના આગેવાનો જ સંડોવાયેલા હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન સેવી રહ્યા છે. ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા ત્યારે ભાજપ પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું ગૌરવ લેતા હતા તો, ભાજપે કેમ તેમના આ મુખ્યમંત્રીને દૂર કરવા પડયા તે વિશે કેમ ભાજપ બોલતી નથી.

ભાજપની બધી વાતો બે મોંઢાની હોય છે. ગુજરાતમાં ૩૩ ટકા મહિલા અનામતનો પણ વાસ્તવિક અમલ ભાજપના શાસનમાં થયો જ નથી. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા જોખમાઇ છે ત્યારે હવે મહિલા વર્ગ પણ ભાજપના અસલી ચહેરાથી પરિચિત થઇ ગઇ છે અને તેથી ગુજરાતની જનતાનો બદલાયેલો મિજાજ આ વખતે કોંગ્રેસની સરકાર લાવશે.

(8:32 pm IST)