Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કલોલ નજીક ટ્રકે ટેમ્પાને હડફેટે લેતા ચાર મિલ કામદારોના કરૂણ મોત: 5 ને ઇજા

કલોલ:શેરીસા પાસે મીનીટ્રકની ટક્કરે છોટાહાથી ગાડીમાં સવાર ચાર મીલ કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. તેમજ પાંચ મીલ કામદારો પણ શરીરે ગંભીર પ્રમાણમાં ઘવાયા હોવાથી તેઓને સારવાર માટે ખસેડાયા હતા. સાંતેજ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૃ કરી છે. કલોલથી ખાત્રજ જતો રોડ સિંગલ પટ્ટી છે જેથી આ રોડ ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાય છે. જો કે ગઇકાલે મોડીરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના કરૃણ મોત નીપજ્યા હતા.

ખાત્રજ ખાતે આવેલી અરવિંદમીલમાં નોકરી કરતા ડીંગુચાના નવ યુવાનો રાત્રે ૧૨.૩૦ ની આસપાસ છોટાહાથી ગાડી નં.જી. જે. ૨૪. વાય.૨૨૫૮માં ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે શેરીસા ભોયણ રોડ ઉપર બેફામગતિએ આવતી આઇશર ટ્રક નં.જી.જે.૦૩.એ.ટી.૦૨૧૦ ના ચાલકે છોટા હાથીને ગમખ્વાર ટક્કર મારતા ચાર જીવનદીપ બુઝાઇ ગયા હતા. મીનીટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે ચાર યુવાનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતાં.

ચારેય યુવાનોના મૃતદેહોને આજે સવારે પોસ્ટમોર્ટમ માટે કલોલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. તેમજ છોટાહાથીમાં સવાર પાંચ યુવાનોને પણ શરીરે ગંભીર પ્રમાણમાં ઇજાઓ થઇ હોવાથી તમામને સારવાર માટે કલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાર યુવાનોના મોતના સમાચાર મળતા ડીંગુચા ગામના રહીશો કલોલના સી.એચ.સી. ખાતે પહોંચી ગયા હતા.

ચાર યુવાનોના અકાળે મોત નીપજતા ગામ આખુ હીબકે ચઢ્યું હતું. અકસ્માત સર્જનાર આઇશર ચાલક દારૃના નશામાં હોવાની પણ ચર્ચા જાગી છે. સાંતેજ પોલીસે આઇશર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેકનીય છે કે, ગઇકાલે મોડીરાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતે ખાત્રજ ખાતે નોકરી કરવા જતા કામદારોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે.

 

(5:54 pm IST)