Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વડોદરામાં અજાણ્યા રિક્ષાની હડફેટે સાઇકલ સવાર અખબાર વિતરકનું મોત

વડોદરા:શહેરના દાંડિયાબજાર વિસ્તારમાંથી વહેલી સવારે પેપર લેવા માટે જઈ રહેલા સાઈકલસવાર પેપર વિતરકને અજાણ્યા રિક્ષાચાલકે ટક્કર મારી અકસ્માત કરતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વાઘોડિયારોડ પર જગન્નાથ ફ્લેટમાં રહેતાં ૬૦ વર્ષીય ગિરીશભાઈ ચંદુલાલ પટેલ અખબાર વિતરક હતા તેમજ રાવપુરા રોડ પર રેફ્રીજરેટર સ્પેરપાર્ટસની દુકાનમાં નોકરી કરતા હતા. આજે સવારે છ વાગે તે રાબેતા મુજબ નવરંગ ટોકિઝ પાસે અખબારો  લેવા માટે સાઆકલ પર નીકળ્યા હતા. તે દાંડિયાબજાર ચારરસ્તા પાસેથી પસાર થતા હતા તે સમયેે ફાયરબ્રિગેડ સામેના રોડ પર તેમને એક રિક્ષાચાલકે ટક્કર મારી અકસ્માત કર્યો હતો અને અકસ્માત કરી તે રિક્ષા લઈન પલાયન થયો હતો.

અકસ્માતમાં તે ચાલુ સાયકલે રોડ પર પટકાતા લોહીલુહાણ હાલતમાં બેભાન થયા હતા. બનાવના પગલે ભેગા થયેલા ટોળાંએ તેમને તુરંત ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. બીજીતરફ અકસ્માતના સ્થળેથી ગિરીશભાઈના પરિચિતોએ આ બનાવની તેમના ઘરે જાણ કરતાં પરિવારજનો તુરંત સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા.

 તેમની સારવાર ચાલું હતી તે દરમિયાન ડોક્ટરોએ તેમનું સિટિસ્કેન કરાવવાનું કહ્યું હતું. પરિવારજનો તેમને સિટિ સ્કેન માટે લઈ જતા હતા તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની તેમના પુત્ર આકાશે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે આકાશ પટેલે જણાવ્યું હતું કે તેમને અકસ્માતવાળા સ્થળે સ્થાનિક રહીશો પાસેથી અકસ્માત કરનાર રિક્ષાચાલકનો નંબર સાંપડયો છે અને તે નંબર પોલીસને આપ્યો છે. રાવપુરા પોલીસે હાલમાં આકાશની ફરિયાદના પગલે અકસ્માતમાં પેપર વિતરકનું મોત નીપજાવનાર અજાણ્યા રિક્ષાચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

 

(5:52 pm IST)