Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

તારાપુરની મોટી ચોકડી પાસે લકઝરી બસની ટક્કરે મહિલા પદયાત્રીનું મોત

તારાપુર:મોટી ચોકડી પાસે આવેલા પેટ્રોલપંપ પાસે આજે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસે દેદરડાની પદયાત્રી મહિલાને ટક્કર મારતાં તેણીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. અકસ્માતને પગલે-પગલે ચાલતા જતા પદયાત્રીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના દેદરડા ગામે રહેતા ફરિયાદી રાજેશભાઈ મંગળભાઈ સોલંકીની પત્ની વર્ષાબેન (ઉ. વ. ૨૮)તથા માતા કોકીલાબેન ગામના કેટલાક પદયાત્રીઓ સાથે ચાલતા ભાવનગર ખોડીયાર માતાના દર્શને જવા માટે નીકળ્યા હતા. રાત્રીના સુમારે તારાપુરના જલારામ મંદિરે પહોંચતા ત્યાં રાત રોકાયા હતા અને વહેલી સવારના ઉઠીને ચાલતા જતા હતા. સાડા ચારેક વાગ્યાના સુમારે તારાપુરની મોટી ચોકડી વટાવીને રીલાયન્સ પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક લક્ઝરી બસે વર્ષાબેનને ટક્કર મારતાં માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તુરંત જ સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવતાં ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ બનાવને લઈને દેદરડા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. તારાપુર પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા લક્ઝરી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ઘરી છે.

 

(5:51 pm IST)