Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

નજીવી બાબતે 6 વર્ષ પહેલા આણંદના અડાસ ગામે ઝઘડો કરનાર ચાર ને ત્રણ વર્ષની સજા

આણંદ:તાલુકાના અડાસ ગામે છ વર્ષ પહેલાં ગાળો બોલવાની બાબતે ચાર શખ્સોએ માસી-ભાણીયો ગડદાપાટુનો મુઠ માર મારીને માસીને ડાબા પગે ફેક્ચર કરી નાંખવાના કેસમાં આણંદની અદાલતે ચારેયને તકશીરવાર ઠેરવીને ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર અડાસ ગામે રહેતા નટુભાઈ ભીખાભાઈ ભોઈ ગત ૬-૬-૨૦૧૧ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે નડીઆદથી ચાંદલો કરીને ટેમ્પામાં અડાસ ગામે પરત આવ્યા હતા. ટેમ્પામાંથી નીચે ઉતરતા હતા ત્યારે મહેશભાઈ મનુભાઈ ભોઈએ તેમની ફેંટ પકડી લીઘી હતી અને તુ ટેમ્પામાં અમોને કેમ ગાળો બોલતો હતો તેમ જણાવીને માર મારવા લાગ્યો હતો. ગળુ પકડી લઈને નીચે પાડી દઈ માર મારતાં નટુભાઈના માસી નંદાબેન રાવજીભાઈ ભોઈ વચ્ચે પડીને છોડાવવા જતાં મહેશભાઈ મનુભાઈ ભોઈ, નરેશભાઈ મનુભાઈ ભોઈ, જનુભાઈ તથા સાકરબેન મનુભાઈએ માસીને પણ ગડદાપાટુનો માર માર્યો હતો જેમાં નંદાબેન નીચે પડી જતાં તેમને ડાબા પગના ભાગે ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. બુમરાણ થતાં અન્ય લોકો આવી ચઢ્યા અને વધુ મારમાથી છોડાવ્યા હતા. ચારેય જણા ત્યાંથી ગાળો બોલતા-બોલતા જતા રહ્યા હતા.
આ અંગે વાસદ પોલીસે ઈપીકો કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો દાખલ કરીને ચારેયની ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કર્યા બાદ આણંદની અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. આ કેસ ચોથી એડીશ્નલ સિવિલ જજ અને જ્યુ.ફ.ક.મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ એ. આર. ભટ્ટે દલિલો કરતાં જણાવ્યું હતુ કે, સામાન્ય બાબતે આરોપીઓએ ઝઘડો કરીને માર મારેલ છે અને ફેક્ચર જેવી ઈજા પહોંચાડી છે જેથી સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ સજા કરવા જણાવ્યું હતુ. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૩ સાહેદો તપાસ્યા હતા અને ૧૦ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. ન્યાયાધિશ એફ. એ. સિન્ધીએ બન્ને પક્ષોની દલિલો તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને ચારેયને તકશીરવાર ઠેરવ્યા હતા અને ઈપીકો કલમ ૩૨૩માં ૬ માસની કેદ અને ૫૦૦ રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજા, ઈપીકો કલમ ૩૨૫માં ત્રણ વર્ષની કેદની સજા અને ૧૦૦૦ રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી હતી. ૫૦૪ અને ૧૧૪માં નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

 

(5:50 pm IST)