Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રાસ્કા ચેક પોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે ત્રણ સ્નેચરોની અટકાયત કરી

મહેમદાવાદ:પોલીસે ગઈકાલે રાત્રે રાસ્કા ચેક પોસ્ટ પરથી મોટર સાયકલ પર જતાં બે ઈસમોની અટક કરી ૧૦ મોબાઈલ તથા સોનાની ચેઈન કબ્જે કરી હતી. આ ઈસમનોની પૂછપરછમાં કણજરી ચોકડી પરથી સોનાની ચેઈનની કરેલ ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ પોલીસ ગઈકાલે રાત્રે રાસ્કા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકીંગ કરતી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી મોટર સાયકલ નં. જીજે-૦૭ જે-૩૮૧૦ને ઉભી રખાવી બાઈક ચાલક તેમજ તેની પાછળ બેઠેલ ઈસમની પૂછપરછ કરતા સાગર હર્ષદભાઈ મિસ્ત્રી (રહે. વાત્સલય ફ્લેટ, મહુધા રોડ, મહેમદાવાદ હાલ રહે. નાદેજ તા. દસક્રોઈ) તથા પાછળ બેઠેલ ઈસમનું નામ રણજીતભાઈ ઉર્ફે બોડો ચંદુભાઈ વાઘરી (રહે. રાવળવાસ રોહીસા તા. મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

આ બંનેની અટક કરી અંગજડતી કરતા મોબાઈલ નં. ૧૦ કિંમત રૂપિયા ૨૯,૦૦૦ના તથા સાગર મિસ્ત્રીની પાસેથી એક સોના જેવી ધાતુની આશરે અડધા તોલાની વજનની એસ પટ્ટી ભાતની ચેઈન કિંમત રૂપિયા ૨૨,૦૦૦ ની મળી આવી હતી. જેથી પોલીસે ટીવીએસ મોટર સાયકલ રૂપિયા ૮૦૦૦ નું મળી કુલ રૂપિયા ૫૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બંને ઈસમો પાસે મોબાઈલના તેમજ મોટર સાયકલના માલિકાપણાંના આધાર પુરાવા કે બીલ માંગતા મળી આવ્યા ન હતા. જેથી આ બંને ઈસમોએ આ મુદ્દામાલ ચોરી અગર છળકપટથી મેળવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બંને ઈસમો ની પૂછપરછ કરતા મોબાઈલ ફોન તેમજ સોનાની ચેઈન ની ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

 

(5:49 pm IST)