Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

૮૯૦ પરિવારોના ૩,૩૬૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા

વાવાઝોડુ સુરતથી ર૦૦ કિ.મી.ના અંતરે જ વિખેરાઇ ગયું હતુ, આમ છતાં સાવચેતીના પગલા જારી : માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી હજુ અકબંધ : મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં રાખી દેવામાં આવી

અમદાવાદ,તા. ૬: તમિળનાડુ અને કેરળમાં ભારે તબાહી કર્યા બાદ ગુજરાત પર તોળાઇ રહેલુ ઓખી વાવાઝોડાનુ સંકટ આજે ટળી જતા તંત્રને મોટી રાહત થઇ છે. ઓખી વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ છે. તેની ઘાત ટળી ગઇ છે. સુરતથી આશરે ૨૦૦ કિલોમીટરના અંતરે ઓખી વિખેરાઇ જતા તંત્રને રાહત થઇ છે. જો કે તેની અસર હેઠળ હજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે. સાથે સાથે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી પણ અકબંધ રાખવામાં આવી છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ પણ વધારે હતી. વાવાઝોડુ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ૧૧૫ વર્ષમાં પ્રથમ વખત ડિસેમ્બરના મહિનામાં વરસાદ થયો છે. વાવાઝોડાનની સ્થિતીને પહોંચી વળવા તમામ પગલા લેવામાં આવ્યા હતા. સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ એવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત અને સાવચેત કરવામાં આવ્યા હતા. ખાસ ઝૂંબેશ હાથ ધરીને ૧૩,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને લાવવામા સફળતા મળી હતી..આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામા આવી છે.દરમિયાન તંત્ર દ્વારા કુલ મળીને ૮૯૦ પરિવારોના ૩,૩૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવી ચુક્યા છે.  આ સાથે જ એનડીઆરએફની ૬ જેટલી ટુકડી તૈનાત કરવામા આવી હતી. બીજી તરફ આ વાવાઝોડાની અમદાવાદ ઉપર થનારી સંભવિત અસરને પહોંચી વળવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડને એલર્ટ કરવામા આવ્યુ  હતુ. ઉપરાંત તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાવામા આવી હતી. ઓખીની સંભાવનાને પગલે રાજય સરકાર હાઈએલર્ટ હોવાનુ પણ રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ.દ્વારા કહેવવામાં આવ્યું  હતુ. ઓખી વાવાઝોડાની સંભવિત અસરોની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજયના  મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવામા આવેલા પગલાની વિગતવાર સમીક્ષા કરી હતી.તેમણે તમામ જિલ્લાઓના અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરી હતી.દરિયામાં ગયેલા માછીમારોને તાકિદે પરત બોલાવવા રાજય સરકાર દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.ગઇકાલે બપોર સુધીમાં ૧૩,૦૦૦ થી વધુ બોટો માછીમારો સાથે પરત આવી ગઈ હતી. બાકીની બોટ પણ માછીમારો સાથે સાંજ પહેલા પરત આવી જાય એવા પગલા લેવા મુખ્ય સચિવ જે.એન.સિંહ દ્વારા સુચના આપવામાં આવી હતી. રાજય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકસાન ન થાય એ માટે પણ યુધ્ધના ધોરણે પગલા લેવામાં આવ્યા હતા. રાજયમાં મગફળીની ૬ લાખથી વધુ બોરીઓને ગોડાઉનમાં અથવા તો શેડમાં કે તાડપત્રી હેઠળ સલામત રાખવામાં આવી છે.મુખ્ય સચિવ જે.એન.સિંહે નાગરિકોના જાનમાલનુ નુકસાન ન થાય કે કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તંત્રને સુસજજ રહેવા તાકીદ કરી છે.ઉપરાંત વાવાઝોડા પછી પણ પરિસ્થિતિને તરત સામાન્ય અને પૂર્વવત કરવા વહીવટીતંત્રને તૈયાર રહેવા તેમણે સુચના આપી હતી. આ તરફ ઓખી વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગને પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ કરવામા આવ્યા હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે એક વાતચીતમા કહ્યુ કે,અમદાવાદ ફાયરના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાની  સાથે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારી કરી લેવામા આવી છે. સુરતના હજીરા પાસે દરિયામાંથી ગેસ કાઢવાના પાચ બેઝિનનુ કામકાજ તરત જ બંધ કરવામાં આવ્યુ હતુ. સુરત શહેરમાં સતત લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. સુરતના દરિયાકાઠે આવેલા ૨૯ ગામોના ૩૩૬૦ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. ભરૂચ, વલસાજ  જિલ્લાના સાત હજાર અગરિયાને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.

 ઓખી વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાના દરિયાકાઠાના વિસ્તારોમાં માછીમારીની પ્રવૃતિને માઠી અસર થઇ છે. સોમનાથ તીર્થસ્થળ પર શ્રદ્ધાળુઓનવી હાજરી બિલકુલ ઓછી થઇ ગઇ છે.રાજ્યના તમામ બંદરો પર બે અને ત્રણ નંબરના સિગ્નલો હજુ યથાવત રાખવામાં આવ્યા છે.

સંકટ ટળવાની સાથે સાથે

સાવચેતીના તમામ પગલા હજુ યથાવત રખાયા છે

અમદાવાદ, તા. ૬: તમિળનાડુ અને કેરળમાં ભારે તબાહી કર્યા બાદ ગુજરાત પર તોળાઇ રહેલુ ઓખી વાવાઝોડાનુ સંકટ આજે ટળી જતા તંત્રને મોટી રાહત થઇ છે. ઓખી વાવાઝોડુ દરિયામાં સમાઇ ગયુ છે. તેની ઘાત ટળી ગઇ છે. સુરતથી આશરે ૨૦૦ કિલોમીટરના અંતરે ઓખી વિખેરાઇ જતા તંત્રને રાહત થઇ છે. જો કે તેની અસર હેઠળ હજુ ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે.સંકટ ટળવાની સાથે સાથે નીચે મુજબ છે

*  ગુજરાત પર છેલ્લા બે દિવસથી તોળાઇ રહેલી ઓખી વાવાઝોડાની ઘાત ટળી ગઇ

*  વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતના જુદા જુદા ભાગોમાં હજુ વરસાદી માહોલ

*  આગામી બે દિવસ સુધી વરસાદ જારી રહે તેવી હવામાન દ્વારા આગાહી કરવામાં આવી

*  વરસાદી માહોલના કારણે ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો થયો

*  હજારોની સંખ્યામાં લોકોને દરિયાકાઠાના વિસ્તારોમાંથી પહેલાથી જ ખસેડી લેવામાં આવ્યા હતા

*  સુરત શહેર -જિલ્લાના લોકો અને અન્ય ગુજરાતના લોકોને ઘાટ ટળતા રાહત થઇ

*  સુરત શહેર -જિલ્લામાં લોકોને સાવચેત રહેવા ૧૩ લાખથી વધુ મેસેજ કરવામાં આવ્યા હતા

*  સુરતમાં ગઇકાલે સાવચેતીના પગલારૂપે  શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી

*  સુરત તરફ આવતી અને જતી ૯ જેટલી ફલાઈટ રદ કરવામાં આવી હતી

*  સુરતના દાંડી અને ઉભરાટનો દરિયાકિનારો લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હતો

*  ૧૪૫ જેટલા ગામોમા અધિકારીઓને તૈનાત કરવામા આવ્યા હતા

*  ઓખાથી બેટ દ્વારકા તરફ ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી હતી

*  ૭,૦૦૦થી વધુ અગરીયાઓને સલામત સ્થળે લવાયા હતા

*  ૧૩,૦૦૦થી વધુ બોટ માછીમારો સાથે પરત લાવવામાં આવી

*  મોટી સ્ટીમરોને પણ લાંગરી જવા તાકીદ કરવામાં આવી હતી

*  ફીશરીઝ અને કોસ્ટગાર્ડ,આર્મી અને નેવીની  પણ મદદ લેવામાં આવી રહી છે.

*  સુરત જિલ્લાના ૨૯ જેટલા ગામો દરિયાકિનારે હોવાથી ત્યાં ખાસ પગલા લેવામાં આવ્યા

*  સુરતમા ચાલતી  ૫૧૦ બાંધકામોની સાઈટ ઉપર કામ બંધ કરાવાયું

*  સુરત ઉપરાંત નવસારી,વલસાડ,અમરેલી અને ભાવનગરમાં પણ એનડીઆરએફની એક-એક ટુકડી તૈનાત કરવામાં આવી છે.

 

(4:10 pm IST)