Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દેશભરમાંથી ચુંટણી બંદોબસ્ત માટે તૈનાત થનાર અર્ધ લશ્કરી દળોની સંકલનની મહત્વની જવાબદારી અજય તોમરને સુપ્રત

બીએસએફના ગુજરાતના વડાએ સરહદી સીમાઓ-દરીયાઇ માર્ગો પર પેટ્રોલીંગ ચુસ્ત બનાવ્યું: અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૬: ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાનાર ચુંટણી  ન્યાયી અને ભયમુકત બને કોઇ જાતની અનિચ્છનીય ઘટનાઓ ન સર્જાય અને લોકો મુકત રીતે લોકશાહીના આ પર્વને ઉજવી શકે તે માટે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આસામ, મણીપુર જેવા દેશના વિવિધ રાજયોમાંથી આવનારી અર્ધલશ્કરી દળોની ૬૦૦ કંપનીઓને રાજયના ઉચ્ચ અધિકારી સાથે સંકલનમાં રહી તેની ગોઠવણી કરવાની વ્યવસ્થાનું સુકાન બીએસએફના ગુજરાતના વડા અજય તોમરને સુપ્રત કરતા જ તેઓ આ બાબતમાં સક્રિય બની ગયા છે.

બીએસએફના ગુજરાતના વડા અજય તોમર મૂળ ગુજરાત કેડરના સિનીયર અને બહોળો અનુભવ ધરાવતા આઇપીએસ અધિકારી છે. રાજકોટ રૂરલમાં એસપી તરીકે ફરજ બજાવી ગયેલા આ અધિકારીએ અકિલા સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકાર દ્વારા અર્ધલશ્કરી દળોના કો-ઓર્ડીનેશનની  કામગીરી તેઓને સુપ્રત થયાની બાબતને સમર્થન આપેલ.

તેઓએ વિશેષમાં જણાવેલ  કે આ કંપનીઓને કયાં તૈનાત કરવી? તેની ચર્ચા-વિચારણા ચુંટણી પંચ દ્વારા ગુજરાતના સિનીયર મોસ્ટ આઇપીએસ મોહન ઝા કે જેઓ નોમીની તરીકે કેન્દ્ર ચુંટણી પંચે નિમ્યા છે. તેના સંકલનમાં રહી આ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.

૬૦૦ જેટલી અર્ધ લશ્કરી દળોની કંપનીને તૈનાત કરવા સાથે આ કંપનીના જવાનો માટે તથા અધિકારીઓ માટે રહેઠાણ, ચા-નાસ્તા અને જમવા સહિતની વ્યવસ્થાનું સંકલન પણ બીએસએફના ગુજરાતના વડાના માર્ગદર્શનમાં થશે.

બીએસએફના ગુજરાતના વડા તરીકે ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવતા સિનીયર આઇપીએસ અજય તોમારે કેન્દ્રીય ચુંટણી પંચના વડા શ્રી જોતી સાથેની ચર્ચા બાદના સુચન અન્વયે કચ્છની બોર્ડર તથા ઇન્ટરનેશનલ બોર્ડર અને મરીન (દરીયાઇ) બોર્ડર પર બીએસએફ અને રાજય પોલીસ સાથે સંકલન કરી જડબેસલાક  સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ચુંટણીના કારણે પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે ઉગ્રવાદી તત્વો આનો લાભ ન ઉઠાવે તે માટે અજય તોમારે વિશિષ્ટ વ્યુહ રચના ગોઠવી છે.

(3:39 pm IST)