Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ગુજરાતને રેગ્યુલર ડીજીપી મળશે કે કેમ ? કાલે હાઇકોર્ટમાં રજુ થનાર ચુંટણી પંચના જવાબ તરફ મીટ

રાજયભરનુ 'ટોપ ટુ બોટમ' પોલીસ તંત્ર હાઇકોર્ટના ચુકાદાની આતુરતાથી રાહ જુવે છે

રાજકોટ, તા., ૬: ગુજરાતમાં લાંબા સમય થયા ઇન્ચાર્જ ડીજીપી નિમવાની ચાલતી આવતી પ્રથા અને રાજય સરકારની નીતી-રીતી સામે હાઇકોર્ટમાં પીઆઇએલએ રીટ પીટીશનમાં ચુંટણી પંચને પણ પક્ષકાર બનાવાયા હોવાથી કાલે ચુંટણી પંચ હાઇકોર્ટમાં  પોતાનો જવાબ એફીડેવીડ દ્વારા રજુ કરવાનો છે ત્યારે હાઇકોર્ટ કેવું વલણ દાખવશે? તેના તરફ રાજયભરના પોલીસ તંત્રના 'ટોપ ટુ બોટમ' પોલીસ સ્ટાફ અને અધિકારીઓની આતુરતાભરી મીટ મંડાણી છે.

પુર્વ આઇપીએસ અધિકારી રાહુલ શર્માએ લાંબા સમય થયા હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે એ પીટીશનમાં તેઓએ સુપ્રિમ કોર્ટના ડાયરેકશન, બોમ્બે પ્રોવીઝનલ એકટ તથા ચુંટણી સમયે તમામ જવાબદાર અધિકારીઓ જેમાં ડીજીપીનો સમાવેશ છે તે રેગ્યુલર રાખવાનો નિયમ છે તે મુજબ અમલ કરવા માંગ કરી છે.

પુર્વ આઇપીએસ રાહુલ શર્માએ પોતાની રીટ પીટીશનમાં ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ડીજીપી જેવા મહત્વના અને સર્વોચ્ચ સ્થાન પર લાંબા સમયથી ઇન્ચાર્જ નીમવાની જે પ્રથા છે તેની પાછળ સરકારનો ઇરાદો પોલીસ તંત્રને પોતાના હાથ નીચે રાખવાનો છે.  આ બાબત ખુબ જ ગંભીર છે.

ઉકત રીટ પીટીશન કે જેમાં વારંવાર મુદતો પડી છે તેવી આ રીટ પીટીશનમાં રાજય સરકારે એવો જવાબ રજુ કરેલ કે 'હાલમાં ચુંટણી જાહેર થઇ હોવાથી નિમણુંક કે બદલીઓની સતા ચુંટણી પંચને છે' રાહુલ શર્માએ પણ આ બાબત ગ્રાહ્ય રાખી ચુંટણી પંચને પણ પક્ષકાર બનાવવા સુચવતા હાઇકોર્ટે ચુંટણી પંચને પક્ષકાર બનાવેલ.

દરમિયાન ઇન્ચાર્જ ડીજીપી ગીથા જૌહરી નિવૃત થયા તેના અંતિમ કલાકો સુધી આ બાબતે કોઇ નિર્ણય ન થતા મોહન ઝાને એક દિવસ માટે લુક આફટર ચાર્જ સોંપી તેવો ચાર્જ મુકત થયેલ. દરમિયાન ચુંટણી પંચે રજુ થયેલ પેનલ અંગે પુરક માહીતી માંગ્યા બાદ સિનીયર મોસ્ટ આઇપીએસ અધિકારીને ચાર્જ સોંપવા આદેશ કરતા ૧૯૮૩ બેચના પ્રમોદકુમારને ચાર્જ સુપ્રત થયેલ જે જાણીતી બાબત છે.

(8:06 pm IST)