Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જાણીતી મોડલ અને અભિનેત્રી ૨૦૦ કરોડનો ચુનો લગાવીને થઇ ગઇ છનન

અલાહબાદ તા. ૬ : પૂર્વ મિસ જમ્મૂ રહેલ ભોજપુરી અભિનેત્રી અનારા ગુપ્તા ભાગેડુ છે. એસટીએફ અલાહબાદ તેની શોધ કરી રહી છે. તેના મુંબઈ સ્થિત ફલેટ પર તાળું લાગેલું છે. અનારા ગુપ્તા પર એક ફ્રોડ કંપની બનાવીને અંદાજે ૪૫૦૦૦ લોકો સાથે ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરવાનો આરોપ છે.

એસટીએફ અલાહબાદના એએસપી પ્રવીણ સિંહ ચૌહાણે કહ્યું કે, ફ્રોડ કંપનીના સ્થાપક સભ્ય રહેલ શત્રુઘ્ન સિંહની ટીમને શનિવારે રાત્રે ધરપકડ કરી છે. વિતેલા ૩ દિવસની અંદર આ બીજી ધરપકડ છે, આ પહેલા અલાહબાદના ઓમપ્રકાશ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.

૨ ડિસેમ્બરે અનારાની એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જો મેં કંઈ કર્યું હોત તો હું દેશમાં ન હોત. જોકે ફ્રોડ કંપની સાથે અનારા બાદમાં જોડાઈ હતી.

અલ્હાબાદ પોલીસે અનારા ગુપ્તા તથા તેના સાથીઓ વિરુદ્ઘ લૂક આઉટ નોટિસ જારી કરવાની ભલામણ કરીને એરપોર્ટ્સને એલર્ટ કર્યા છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે અલ્હાબાદ અને લખનૌમાં એફઆઈઆર નોંધાયા પછી અનારા અને તેના સાથી ફરાર છે એટલું જ નહીં તેમના મોબાઈલ ફોન પણ બંધ છે.

અધિકારીઓને આશંકા છે કે અનારા અને તેના સાથીઓ ધરપકડથી બચવા માટે વિદેશ નાસી જઈ શકે છે. ૧૨ વર્ષ અગાઉ કથિત સેકસ સીડીથી ચર્ચામાં આવેલી પૂર્વ મિસ જમ્મુ અનારા ગુપ્તા અને તેના સાથીઓ પર કાયદાનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.

અલ્હાબાદ પોલીસના અધિકારીઓને જાણકારી મળી છે કે લખનૌ અને અલ્હાબાદમાં એફઆઈઆર નોંધાયા પછી અનારા અને તેના અન્ય સાથીઓ દેશ છોડીને વિદેશ નાસી જઈ શકે છે.

(12:51 pm IST)