Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદના સાણંદ સર્કલ પાસે બે બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ : નવ આરોપીઓ ઝડપાયા

વિદેશી નાગરિકોનાં નામ-નંબરનો ડેટા, લેપટોપ અને મોબાઈલ સહિતનો માલ જપ્ત

 

અમદાવાદના સાણંદ સર્કલ પાસે આવેલા સિગ્નેચર-2 કોમ્પ્લેકસમાં 2 જુદી જુદી જગ્યાએ ચાલતા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે અહીયા 2 ઓફિસોમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને છેતરવામાં આવે છે, જેથી સરખેજ પોલીસે મોડી રાત્રે દરોડા કરીને 2 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 9 આરોપીઓને ઝડપી પાડ્યાં છે,

 પોલીસે દરોડા પાડીને વિદેશી નાગરિકોનાં નામ-નંબરનો ડેટા, લેપટોપ અને મોબાઈલ સહિતનો માલ જપ્ત કર્યો છે. 2 જુદી જુદી જગ્યાએથી પકડાયેલા 9 આરોપીઓ અહી છેલ્લા કેટલાક સમયથી બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં હતા, પકડાયેલા આરોપીઓમાં રાહુલ યાદવ, શીવા રાજપૂત, સાજીદ લંજા, ઈમરાન પઠાણ અને પ્રશાંત રાજપૂતના નામ સામે આવ્યાં છે, જેમાં મુખ્ય આરોપી તરીકે ઇમરાન હોવાનું પોલીસે જણાવ્યું છે.

અમદાવાદમાં પહેલા પણ બોગસ કોલ સેન્ટર પકડાયા છે, જ્યાંથી વિદેશી નાગરિકોને ફોન કરીને લોન આપવાના બહાને પ્રોસેસિંગ ફી પડાવી લેવામાં આવે છે, ઉપરાંત વિમા સહિતની જુદી જુદી સ્કીમોના નામે કૌભાંડીઓ અહીયા બેસીને વિદેશમાં કોલ કરે છે, બાદમાં જે તે વ્યક્તિનો વિશ્વાસ જીતીને પોતાના મરતિયાઓના બેંક એકાઉન્ટમાં ડોલરમાં રકમ જમા કરાવીને છેતરપિંડી કરે છે.

(12:08 am IST)