Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી

વસ્ત્રાપુરની પ્રકાશ હાઇસ્કૂલ ખાતે દક્ષિણોત્સવ : બાળકોને સ્કૂૂલ યુનિફોર્મ વિના કુદરતી વાતાવરણ વચ્ચે રમત રમતમાં શિક્ષણ, ભાર વગરના ભણતર ઉપર ભાર

અમદાવાદ, તા. ૬ : સમગ્ર વિશ્વમાં જાણીતી અને બાલમંદિર શિક્ષણમાં ઐતિહાસિક સિધ્ધિઓ હાંસલ કરી સમાજને અને શિક્ષણજગતને અનોખી પ્રેરણા પૂરી પાડનાર ભાવનગરની ઐતિહાસિક શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર સંસ્થાના ૧૦૦માં વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે અમદાવાદ શહેરમાં તા.૧૦મી નવેમ્બરના રોજ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રકાશ હાઇસ્કૂલ ખાતે વિશેષ દક્ષિણોત્સવ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાનપદે જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ ઝા અને અતિથિવિશેષ પદે અમિત દેસાઇ(સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી) ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાનું નામ રોશન કરનાર સંસ્થાના ૪૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ વિશેષ હાજરી આપશે એમ શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ધીરેન્દ્ર મુની, પંકજ દેસાઇ અને ડો.તેજસ દોશીએ જણાવ્યું હતું.

          તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને કોઇપણ સ્કૂલ યુનિફોર્મ વિના કુદરતી વાતાવરણ વચ્ચે રમતરમતમાં શિક્ષણ, ભાર વિનાનું ભણતર અને તેમના આંતરિક કૌશલ્યને નિખારવા સહિતની અનોખી અને વિશ્વભરમાં ધ્યાનાકર્ષક પધ્ધતિથી શિક્ષણ આપતી શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના શિક્ષણ સિધ્ધાંતો ખુદ યુનેસ્કો દ્વારા સ્વીકારાયેલ સિધ્ધાંતોમાં સમાવિષ્ટ છે. શ્રીમાન નથુરામ શર્માના આશીર્વાદથી ભાવનગરના મહારાજા શ્રી ભાવસિંહજી તથા દિવાન સર પ્રભાશંકર પટ્ટણીના સહયોગથી કેળવણીકાર શ્રી નાનાભાઇ ભટ્ટ, શ્રી હરગોવિંદ પડંયા તેમ જ ઓધવજીભાઇ જેવા સાથી મિત્રોએ સને ૧૯૧૦માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી

ભવનની શરૂઆત કરી. જીવન ઘડતરમાં બાળ કેળવણીનું મહત્વ સ્વીકારીને સને ૧૯૨૦માં બાલ મંદિર શરૂ કરવામાં આવ્યું અને તેની શતાબ્દીની સફરમાં બાળ કેળવણીના શિખર પુરૂષ શ્રી ગિજુભાઇ બધેકા, શ્રી તારાબહેન મોડક, પ્રયોગશીલ હરભાઇ ત્રિવેદી, શ્રી નરેન્દ્રભાઇ બધેકા અને શ્રી વિમુબહેન બધેકાનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના વિકાસમાં ગુરૂજનો, મહાનુભાવો, શ્રેષ્ઠીઓ અને સાહિત્યકારોએ પોતાનું યોગદાન આપીને સંસ્થાને સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ અપાવી છે.

 આ બાલમંદિરની ટેકરી પરથી ૪૫ હજારથી વધુ બાળકોએ કેળવણી મેળવીને વિવિધ ક્ષેત્રોમાં દેશ-વિદેશમાં પોતાની પ્રતિભા પુરવાર કરી સંસ્થાનું નામ વિશ્વસ્તરે પ્રસિધ્ધ બન્યુ છે. શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ધીરેન્દ્ર મુની, પંકજ દેસાઇ અને ડો.તેજસ દોશીએ ઉમેર્યું હતું કે, ભાવનગરના પાંચ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર સમાન મોન્યુમેન્ટ્સમાં શ્રી દક્ષિણામૂર્તિ સંકુલનો પણ સમાવેશ કરાયો છે, જો કે, આટલા વર્ષો બાદ હવે સંસ્થાના પૂૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાંથી અનુદાન અને દાતાઓની મદદથી રૂ.છ કરોડથી વધુના ખર્ચે સંસ્થાનું પુનઃ નિર્માણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. જો કે, આ પુનઃ નિર્માણમાં સંકુલના ઐતિહાસિક સ્થાપત્ય અને સાંસ્કૃતિક ધરોહરનું પૂરેપૂરું જતન કરવામાં આવશે.

           હાલ સંસ્થામાં બાલમંદિરથી ધોરણ-૧૨ સુધી તથા બાલ અધ્યાપન મંદિરમાં સંસ્થાના સિધ્ધાંતોને અનુરૂપ અને આધુનિક સમયની જરૂરિયાત મુજબ ભાર વગરના ભણતરની સાથે કુદરતી વાતાવરણમાં સંગીત, રમત-ગમત, પ્રવાસ, ચિત્રકામ, યોગ, કરાટે, ક્રિકેટ, ટેબલટેનીસ, ચેસ, એનએસએસ, એનસીસી, સ્કાઉટ જેવી સહઅભ્યાસક પ્રવૃત્તિઓને બહાર લાવવાની પણ ઉમદા તક પૂરી પડાય છે. નોંધનીય વાત એ છે કે, આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાસમાન સંસ્થાનું સંચાલન અને તેની વિકાસગાથા તેના પૂર્વ વિદ્યાર્થીઓ જ સંભાળી રહ્યા છે. પોતપોતાના ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કર્યા છતાં સંસ્થા માટે સમય ફાળવી સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી સામાજિક પ્રેરણા પૂરી પાડી છે.

(9:29 pm IST)