Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વિચરતી જાતિઓની વેરાન જિંદગીમાં નવા રંગ ભરાશે

તમામ વિચરતી જાતિ સાથે સંવેદનાસભર સંવાદ કરવાના મુખ્યમંત્રીના અભિગમનો આવકાર : આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી મળશે

અમદાવાદ,તા.૬ : સંવેદનશીલ સરકારનો નારો આપનારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ 'મોકળા મને' ખૂબ આવકાર પામ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો દર મહિને મુખ્યમંત્રી સાથે સંવાદ કરે છે. આ મહિને ૭ નવેમ્બર, ૨૦૧૯ના રોજ રાજ્યના 'વિચરતી વિમુક્ત જાતિ' મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરશે. સદીઓથી આપણે ત્યાં વાદી-મદારીઓની જિંદગી સાપના ખેલ બતાવવાની રહી હતી. સાપ પકડો, ખેલ કરો, જે મળે તે ખાઓ અને ફરતાં રહો. વન્ય જીવો પર થતાં અત્યાચારને રોકવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો અને વાદીઓની જિંદગીમાં અંધારું થઈ ગયું. પરંતુ સરકારે વિચરતી જાતિ શિક્ષિત બની પગભર થાય, તેમજ આર્થિક અને સામાજિક વિકાસ થાય તે હેતુથી વિચરતી વિમુક્ત જાતિ નિગમ શરૂ કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 'મોકળા મને' કાર્યક્રમ શ્રેણીના ચોથા કાર્યક્રમનું આયોજન વિચરતી વિમુક્ત જાતિ સાથે તા. ૦૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે.

સંવેદનશીલ સરકાર દ્વારા વિચરતી જાતિની વિશેષ તકેદારી રાખી શકાય તે માટે વિચરતી જાતિના આગેવાનો સાથે મુખ્યમંત્રીવિજય રૂપાણી ચર્ચા કરશે. જે વિચરતી જાતિઓએ સરકારની સહાયમાંથી સ્વયંનો અને સમાજનો વિકાસ કર્યો હોય અને સમાજનો વિકાસ કરવા માંગતા હોય તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(9:23 pm IST)