Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આદિવાસી મહિલાને અપમાનજનક શબ્દો બોલતા SC/ST સેલનાં DySP સામે જ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા તાપી કોર્ટનો હુકમ

પોલીસ ફરિયાદ દાખલ કરી નહતી અને આ મુદ્દે મહિલાએ કોર્ટ પાસે ન્યાય માંગ્યો

ગાંધીનગર: જિલ્લામાં SC/ST સેલનાં DySP તરીકે ફરજ બજાવતા અધિકારી દ્વારા અરજદાર આદિવાસી મહિલાને અપમાનજનક શબ્દો બોલવામાં આવતા આ મહિલાની પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતા આ મુદ્દે મહિલાએ કોર્ટ પાસે ન્યાય માંગતા વ્યારા-તાપી સ્પેશ્યલ જજ (એટ્રોસિટી)એ DySP એ.કે. પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાહુકમ કર્યો છે.

             આ અંગેની વિગત મુજબ તાપી જિલ્લાના આદિવાસી મહિલા રાધાબેન નાયકા દ્વારા તેમની તાડકુવા ગામ સ્થિત જમીન બિન આદિવાસીઓ દ્વારા છીનવી લેવાના મુદ્દે પોલીસ સુરક્ષાની જરૂર હોય તેમને પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. પરિવારની સુરક્ષા ઈચ્છતા રાધાબેન નાયકાને સુરક્ષા આપવાને બદલે તાપી જિલ્લાના SC/ST સેલનાં DySP એ.કે પટેલ ગમે તેવા શબ્દો બોલી અપમાનિત કર્યા હતા જેથી રાધાબેને પહેલા પોલીસને કુરિયરથી ફરિયાદ મોકલી હતી પરંતુ પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી અને ત્યારબાદ તેઓએ ન્યાય મેળવવા અને એટ્રોસીટી એક્ટ હેઠળ SC/ST સેલનાં DySP સામે FIR નોંધવા અરજી કરી હતી.

              આ અરજી મુદ્દે કોર્ટ દ્વારા 1-લલિતાકુમારી vsસ્ટેટ ઓફ યુ.પી.તથા અન્ય 2014 , 2-સાકીરી વાસુ vsસ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ 2008 અને 3-હેમંત યશવંત ડાંગે vsસ્ટેટ ઓફ મહારાષ્ટ્રના જજમેન્ટ ટાંકીને પોલીસ સબ ઇન્સ્પેકટર કાકરાપારને તાત્કાલિક ગુનાની FIR નોંધવા અને તે બાબતનો લેખિત રિપોર્ટ અદાલતમાં તાત્કાલિત કરવા હુકમ કર્યો છે.

              આ મુદ્દે કોર્ટે નોંધ્યું છે કે એટ્રોસિટી એક્ટના સુધારેલા કાયદા મુજબ એટલે કે એક્ટ નંબર 27/2018ની કલમ 18-એની આદેશાત્મક જોગવાઈ મજુબ એટ્રોસિટી એક્ટની ફરિયાદ રજુ થાય કે તરત તેના પર ફરિયાદ નોંધવી જોઈએ અને તે સંદર્ભે કોઈપણ પ્રકારની પ્રિલિમિનરી ઈન્કવાયરી કરવાની હોતી નથી કે કોઈ ઉપરી અધિકારીની મંજૂરી લેવાની હોતી નથી

               આ હુકમ બાબતે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, જે રીતે કોર્ટનો ઓર્ડર હશે એ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

(8:54 pm IST)