Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કોર્પોરેશન ચૂંટણીમાં ઘુમા અને બોપલના રહીશો મતદાન કરશે

અમદાવાદમાં વોર્ડ અને કોર્પોરેટરની સંખ્યા વધશે : ધારાસભ્યો પોતાના ગ્રામીણ મત વિસ્તારને શહેરી સુવિધા પૂરી પાડવા તલપાપડ : વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની પેનલ

અમદાવાદ, તા.૬ : કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં નવા વિસ્તારોને ભેળવવાની દરખાસ્તને લીલીઝંડી અપાતાં બોપલ, ઘુમા, શેલા જેવા વિસ્તારોનો મ્યુનિસિપલ હદ વિસ્તારમાં સમાવેશને લગતી તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. હવે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી તેનાં આધારે જિલ્લાં વહીવટી તંત્ર દ્વારા નવાં સીમાંકનની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ જશે. આગામી ઓકટોબર-ર૦ર૦ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી નવા સમાવિષ્ટ વિસ્તારો સાથે યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લે ર૦૦૭-૦૮માં ઔડાની જૂની લિમિટની દસ નગરપાલિકા અને ૩૧ ગ્રામ પંચાયતો તબક્કાવાર રીતે વર્ષ ર૦૦૭-૦૮માં ઉમેરાતાં શહેરનું ક્ષેત્રફળ ૪૬૬ ચોરસ કિલોમીટર થયું હતું.

             અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૮ વોર્ડમાં વહેંચાયું હોઈ કુલ ૧૯ર કોર્પોરેટરો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઈ આવ્યાં છે. જો કે, હવે નવાં સીમાંકનથી બોપલ, ઘુમા, શેલા, અસલાલી, નાના ચિલોડા જેવા વિસ્તારોનો મ્યુનિ. કોર્પો.માં સમાવેશ થવાથી વોર્ડની સંખ્યામાં ૪થી ૫નો વધારો થાય તેવી શક્યતા છે. તેથી કોર્પોરેટરની અંદાજિત સંખ્યા ર૦૮ થી ર૧રની થશે. વર્ષ ર૦૦૯માં તંત્ર દ્વારા ખમાસાં દાણાપીઠ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે કોર્પોરેટ લુક ધરાવતું નવું મ્યુનિસિપલ મુખ્યાલય સરદાર પટેલ ભવન તૈયાર કરાયું હતું. જેમાં અતિ આધુનિક ગાંધી હોલમાં મ્યુનિ. બોર્ડ બેઠકનું આયોજન થાય છે. તેમાં કુલ ર૧૦થી રર૦ કોર્પોરેટર બેસવાની ક્ષમતા છે એટલે નવા સીમાંકન બાદ કોર્પોરેટરની સંખ્યામાં ૧૬ થી ર૦ કોર્પોરેટરનો વધારો થાય તો પણ તમામ કોર્પોરેટર ગાંધી હોલમાં બેસી શકશે. નવા સીમાંકનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ૧૦૦ ચોરસ કિલોમીટર વસ્તીમાં ૧૦થી ૧ર લાખનો વધારો થશે. જેના પગલે શહેરની હદ પ૬૬ ચોરસ કિલોમીટરથી વધુ અને વસ્તી આશરે ૭પ લાખથી વધુ થશે. જો કે, મુંબઈ બૃહદ કોર્પોરેશનની જેમ અમદાવાદમાં બૃહદ કોર્પોરેશનની રચના થવાની શક્યતાં નહીંવત છે. શહેરમાં બે મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થાય તેવી શક્યતા પણ લગભગ નથી. આ ઉપરાંત હાલની વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની પેનલ પણ યથાવત્ રહે તેમ છે. આમાં પણ મુંબઈની જેમ વોર્ડ દીઠ એક કોર્પોરેટરની વ્યવસ્થા પણ અમદાવાદમાં સ્વીકારાય તેમ લાગતું નથી.

બોપલ, ઘુમા જેવા વિસ્તારોનો હરણફાળ ગતિએ વિકાસ થઈ રહ્યો છે પરંતુ પાણી ડ્રેનેજ અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોઈ તેમજ આ વિસ્તારો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં આવતા હોય મ્યુનિ. કોર્પો.નાં જંગી બજેટમાંથી આ તમામ વૃદ્ધિ પામતા વિસ્તારોને પ્રાથમિક તેમજ પ્રોજેકટલક્ષી સુવિધા પૂરી પાડવા માટે છેલ્લાં એક વર્ષથી આ અંગેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર થઈ રહી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત ભાજપનાં કેટલાક ધારાસભ્યોનાં વિધાનસભા મત વિસ્તારોમાં પણ નાનાં ગામડાંઓનો સમાવેશ થતો હોઈ આ ધારાસભ્યો પણ પોતાના ગ્રામીણ મત વિસ્તારને શહેરી સુવિધા પૂરી પાડવા માટે તલપાપડ બન્યાં છે. આ બધા કારણોસર નવાં સીમાંકનની પ્રક્રિયા આગામી દિવસોમાં તીવ્રતાથી હાથ ધરાશે તે નક્કી છે.

(8:32 pm IST)