Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભગવાન બારડને ધારાસભ્ય પદ ઉપર જારી રખાતા રાહત

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યુ : ખનીજ ચોરી કેસમાં બે વર્ષ અને ૯ મહિનાની સજા થતાં વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા હતા

અમદાવાદ, તા. ૬ : તાલાલા બેઠક પરથી કોંગ્રેસના ભગા બારડનું ધારાસભ્ય પદ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બહાલ રાખતાં બારડને બહુ મોટી રાહત મળી હતી. તો સાથે સાથે વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયને લઇ કોંગ્રેસને પણ ઘણી મોટી રાહત મળી હતી. આ સાથે જ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું છે. ગત માર્ચ મહિનામાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ આ મામલે કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યને મોટી રાહત આપી હતી અને તેમના ધારાસભ્ય પદને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો હતો. જેને પગલે તેઓ વિધાનસભા અધ્યક્ષ મળ્યા હતા અને ધારાસભ્યપદે યથાવત હોવાનો લેટર મેળવ્યો હતો.

             ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભગવાન બારડ તાલાલા બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તા.૧ માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને ૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. લગભગ ૨૫ વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે રૂ.૨.૮૩ કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. સજાના આ હુકમ બાદ વિધાનસભા અધ્યક્ષ દવારા ભગા બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરાયા હતા. ખનીજ ચોરી મામલે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરાતા તેઓ છ વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જો કે, મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા તેમને રાહત મળી હતી.

         જૂલાઈમાં પૂર્વ ધારાસભ્ય ભગા બારડની સજા પર હાઇકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો. વેરાવળ સેશન્સ કોર્ટે બારડની સજા પર સ્ટે નહીં આપવા માટે રજૂ કરેલા કારણો અયોગ્ય હોવાનું તારણ હાઇકોર્ટે રજૂ કર્યુ હતું. સેશન્સ કોર્ટે શા માટે સજા પર સ્ટે નથી આપ્યો તે અંગે હાઇકોર્ટે સેશન્સ કોર્ટ પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે રજૂ કરેલા જવાબને હાઇકોર્ટે સંતોષજનક ગણાવ્યા નહીં અને ભગા બારડની સજા પર સ્ટે ફરમાવી દીધો હતો. બારડને ખનીજ ચોરીના કેસમાં ૨ વર્ષ, ૯ મહિનાની સજા ફટકારી હતી. આ સ્ટેના આધાર પર બારડ તરફથી સરકારમાં અરજી અપાઇ હતી અને વિધાનસભા અધ્યક્ષને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આખરે વિધાનસભા અધ્યક્ષ દ્વારા આજે ભગા બારડનું ધારાસભ્યપદ યથાવત્ રાખતો હુકમ કર્યો હતો, જેને લઇ બારડની સાથે સાથે કોંગ્રેસ પક્ષને બહુ મોટી રાહત મળી હતી.

(8:31 pm IST)