Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આણંદમાં રાત્રીના સમયે બેંક ઓફ બરોડાની એટીએમમાં ચોરીનો પ્રયાસ: તાત્કાલિક પોલીસ આવી પહોંચતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

આણંદ:શહેરમાં રવિવારના રોજ રાત્રિ દરમ્યાન બેંક ઓફ બરોડાની અમૂલ ડેરી રોડ શાખાના કેશ રીસાયકલર મશીન તોડી રોકડ રકમ ચોરવાનો નિષ્ફળ પ્રયાસ બે બુકાનીધારી શખ્શો દ્વારા કરાતા અચાનક સાયરન ગુંજી ઉઠતા તસ્કરો નાસી છુટયા હતા. જો કે આ મામલે બેંક ઓફ બરોડાના સીક્યુરીટી વિભાગને જાણ થતા જ તાત્કાલિક પોલીસને જાણ કરી દોડી આવતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડયો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરમાં રવિવારે રાત્રિના સમય દરમ્યાન બેંક ઓફ બરોડાની અમૂલ ડેરી રોડ શાખામાં બે બુકાનીધારી શખ્શો બેંક બહાર મુકેલ કેશ રીસાયક્લર મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો તથા તેનો દરવાજો લોખંડના સાધન વડે તોડવાનો પ્રયાસ કરતા સીક્યુરીટી સીસ્ટમની સાયરન ગુંજી ઉઠતા સમગ્ર બનાવની જાણ મુંબઈ સ્થિત સર્વેલન્સ સીસ્ટમને જાણ થઈ જતા સર્વેલન્સ સીસ્ટમ દ્વારા આણંદ શહેર પોલીસનો તાત્કાલિક સંપર્ક સાધતા આણંદ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે સાયરન ગુંજી ઉઠતા બંને તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ થયા હતા. આ બનાવ અંગે બેંક ઓફ બરોડાના મેનેજર દ્વારા આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)