Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પાકમાં નુકશાન અંગે ૧૦ દિવસમાં સર્વે અને ૧પ દિવસમાં વળતર ચુકવાશેઃ આર.સી. ફળદુની જાહેરાત

ગાંધીનગર :મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મહા વાવાઝોડું  તથા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકશાન અને વળતર અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં સરવે અને 15 દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. જે વિસ્તારમાં ખેડુતો વીમા યોજનામાં જોડાયા નથી, પણ 33 ટકા નુકસાન થયું છે તેઓને વળતર આપવામાં આવશે.

10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવાશે

કૃષિ પ્રધાને કહ્યું કે, ચોમાસામાં 144 ટકા વરસાદ થયો હતો, માવઠાને કારણે ખેડૂતોને મોટેપાયે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. વીમા કંપનીઓ સાથે બેઠક કરી ખેડૂતોને નુકશાન થયું છે તેનો સર્વે કરવાની કામગીરી ચાલી રહી છે વીમા કંપનીના ફોન લાગતા ન હતા એટલે ખેડૂતોની લેખિતમાં ફરિયાદ કરી શક્યા છે. 10 દિવસમાં સર્વે કરી 15 દિવસમાં વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જે વિસ્તારમાં ખેડૂતો વીમા યોજનામાં જોડાયા નથી, પણ 33 ટકા નુકસાન થયું છે, તે ખેડૂતોને પણ વળતર આપવામાં આવશે. કુલ 1 લાખ 92 હજાર હેક્ટર જમીનમાં કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. મગફળી સહિત ટેકાના ભાવે ખરીદી 15મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ કરવામાં આવશે.

હાર્દિક પટેલ વિશે શું કહ્યું કૃષિ મંત્રીએ...

રાજકોટમાં હાર્દિક પટેલે ગઈકાલે કહ્યું હતું કે, 7 દિવસમાં ખેડૂતોને વળતર નહિ ચૂકવાય તો 13 તારીખથી આમરણ આંદોલન કરશે. પડધરીમાં ઉપવાસ આંદોલન શરૂ કરાશે. ત્યારે હાર્દિક પટેલના આ નિવેદન ઉપર કૃષિમંત્રી આર.સી. ફળદુએ કહ્યું હતું કે, હાર્દિક એનું કામ કરે. રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. બિલાડીના ટોપની માફક નીકળી પડેલા નેતાઓ પર સરકારે ધ્યાન ન આપવાનું હોય.

(5:08 pm IST)