Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પોલીસ દમનના વિરોધમાં ગુજરાતના વકીલોએ લાલ પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શિત કર્યો : પોલીસ તંત્ર વિરૂધ્ધ પગલા ભરવા માંગણી

રાજકોટ તા ૬  : તીસહજારી કોર્ટ દીલ્હી કોર્ટમાં પોલીસ દ્વારા વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવેલ તેના વિરોધમાં આજે તા. ૬/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ તમામ ધારાશાસ્ત્રીઓ લાલપટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી સી.કે.પટેલ, વાઇસ ચેરમેન શ્રી જીતેન્દ્ર બી. ગોળવાલા, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન શ્રી રમેશચંદ્ર એન. પટેલ તથા શિસ્ત કમિટીના ચેરમેન શ્રી અનિલ સી. કેલ્લા, એક અખબારી યાદીમાં જણાવેલ છે કે તા.૦૨/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ નવી દીલ્હી ખાતે તીસહજારી કોર્ટ, દીલ્હી કોર્ટ કમ્પાઉન્ડમાં દીલ્હી પોલીસ દ્વારા મામુલી બાબતમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવેલ. જેમાં કેટલાક વકીલમીત્રો ગંભીર રીતે ઘાયલ થયેલા. એક વકીલમીત્રને ગોળી વાગેલી.

આ બનાવ સબંધે દીલ્હી હાઇકોર્ટ સુઓમોટો લઇ પોલીસ કમિશનર દીલ્હીને ઇજા પામનાર વકીલોના સ્ટેટમેન્ટ લઇ સ્ટેટમેન્ટના આધારે જવાબદાર પોલીસ સામે એ.આઇ.આર દાખલ કરવા તેમજ સરકારને ઇજા પામનાર વકીલોને સારામાં સારી સારવાર એઇમ્સમાં આપવા તથા ઇજા પામનાર વકીલોને વળતર આપવા તથા જયુડિશિયલ ઇન્કવાયરી માટે એસ.પી. ગર્ગ સાહેબની નીમણુંક કરવામાં આવેલ, તથા ઇન્કવાયરી છ અઠવાડીયામાં પૂર્ણ કરવાની તેમજ જવાબદાર પોલીસ અભિકારીને સસ્પેન્ડ કરવાનો તથા પોલીસ અધિકારી સામે પોલીસ કમિશ્નર દીલ્હીએ પગલા ભરવાનો તથા બે પોલીસ અધીકારીની બદલી કરવાનો હુકમ કરેલ છે. તેમજ કોઇપણ વકીલની સામે સખત પગલાં ના ભરવાનો હુકમ કરી વકીલ આલમને ન્યાય આપેલ છે.

આ ઘટનાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સખત શબ્દોમાં વખોડી કાઢીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા, ગુજરાત રાજયના તમામ ધારાશાસ્ત્રીઓને આહવાન કરવામાં આવેલ છે કે, ઉપરોકત ઘટનાને વખોડી કાઢવા આજે તા. ૬/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ કોર્ટ સમય દરમિયાન તમામ ધારાશાસ્ત્રીઓ પોતાના કોટ પર લાલપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રસ્થાપિત કરવા જણાવતા, પોલીસ દમનના વિરોધમાં રાજયભરના વકીલોએ આજે લાલપટ્ટી ધારણ કરીને ઠર-ઠેર વિરોધ કર્યો હતો.

(1:20 pm IST)