Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદમાં નવો 120 કિલોમીટર વિસ્તાર ભેળવવાની દરખાસ્તને કેદ્ર સરકારની મંજૂરી

નવા વિસ્તારોમા બોપલ, ઘુમા, શેલા, છારોડી, અસલાલી, નાના ચીલોડા, કઠલાલ, સીંગરવા સહિતના ઔડાના વિસ્તારોનો સમાવેશ થશે : 466 ચો.કિલોમીટરનો વિસ્તાર હવે 586 ચો,કિલોમીટરનો બનશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હાલના 466 ચો.કિલોમીટરના વિસ્તારમાં નવા 120 કિલોમીટર જેટલાં વિસ્તારોને ભેળવવાની દરખાસ્તને કેદ્ર સરકારે મંજૂરી આપી છે હાલ વિધિવત જાહેરનામું તૈયાર કરીને બહાર પાડવાની છેલ્લી પ્રક્રિયા રાજ્ય સરકાર સમક્ષ પડી છે. નવા વિસ્તારોમા બોપલ, ઘુમા, શેલા, છારોડી, અસલાલી, નાના ચીલોડા, કઠલાલ, સીંગરવા સહિતના ઔડાના વિકસિત વિસ્તારોનો સમાવેશ થવા જાય છે. આમ થવાની સાથે જ અમદાવાદનો હાલનો વિસ્તાર વધીને 586 ચો.કિલોમીટર જેટલો થઈ જશે તેમ મનાય છે.

  અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. 1411માં થઈ હતી. ત્યારબાદ તુટેલાં કોટનું સમારકામ કરવા માટે 1843માં એક સમિતિની રચના થઈ હતી. બાદમાં 1858માં મ્યુનિ. બરો અને 1950માં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ હતી. અગાઉ અમદાવાદનો વિસ્તાર માત્ર 90 ચો. કિલોમીટરો હતો ત્યારે 15 વોર્ડ અને 92 કોર્પોરેટરો હતા. 1987માં પૂર્વના વિસ્તારો મ્યુનિ.ની હદમાં ભેળવાતા કદ વધીને 192 ચો.કિલોમીટર થયું હતું અને 43 વોર્ડમાં કોર્પોરેટરો 129 થયા હતા.

 

  છેલ્લે 2007-2008માં નવા પશ્ચિમ સહિતનો વિસ્તાર ઉમેરાતા શહેરનું કદ 466 ચો. કિલોમીટરે પહોંચી ગયું છે. 48 વોર્ડમાં 192 કોર્પોરેટરોની સંખ્યા છે. હવે, મ્યુનિ.માં નવા વિસ્તારો ભળવાની સાથે જ નવું સિમાંકન થતા વોર્ડની પુન:રચના થશે, જેના કારણે વોર્ડ અને કોર્પોરેટરોની સંખ્યા વધવાની સંભાવના પણ ઊભી થઈ છે. 2020ના ઓક્ટોબર-નવેમ્બરમાં મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેને માત્ર 1 વર્ષ જ બાકી રહ્યું છે.

તેમાંથી 4 મહિનાના ચોમાસાના અને આગળનો એકથી દોઢ મહિનો આચારસંહિતા લાગુ પડવાના કારણે ભાજપના સત્તાવાળાઓ પાસે કામ કરવા માટે ગણતરીના સાતથી આઠ મહિના જ રહ્યાં છે. આ સંજોગોમાં ગણતરીના દિવસોમાં જ નવા વિસ્તારો ભેળવવાની જાહેરાત થશે અને તુરત જ વોર્ડની પુન:રચના હાથ ધરાશે. અસલાલી વગેરે વિસ્તારોમાંથી વિરોધનો સૂર થયો છે, તેમને સમજાવવા માટેનો સમય પણ જોઈશે.

નવા વોર્ડ સિમાંકનમાં મહ્દ અંશે તો હાલ સીમાડે રીંગરોડને અડીને આવેલા વોર્ડ છે, તેમાં વધુ ફેરફાર થશે. ઉપરાંત જે વોર્ડમાં કોંગ્રેસના સભ્યો ચૂંટાય છે, તેમાં શક્ય હશે તો કેટલાંક વિસ્તારો બાજુના વોર્ડમાં આઘાપાછી કરાશે. નવા વિસ્તારો ભેળવવાની બાબતમાં ભાજપના સંગઠનમાં પણ મીટીંગો શરૂ થયાનું જાણવા મળે છે. મ્યુનિ.ના હાલના હોદ્દેદારો અને સંગઠન વચ્ચે આ બાબતે ઉંડાણપૂર્વક વિમર્શ અને સંકલન શરૂ થયું છે. રાહ જોવાય છે તો માત્ર, 'જાહેરનામા'ની.

અમરાઈવાડીની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની માંડ માંડ જીત થઈ છે, તે પરિપ્રેક્ષ્‍યમાં ભાજપના કેટલાંક નેતાઓ 2020ની મ્યુનિ.ની ચૂંટણીને જોઈ રહ્યાં છે. અગાઉના તમામ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા, માત્ર છેલ્લા રાઉન્ડમાં ભાજપ તરફી બુથ ખુલતા નજીવી સરસાઈથી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ પરિણાની અસર મ્યુનિ. ચૂંટણી પર કેટલી થશે તેનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં વોર્ડની પુન: રચનામાં વધુ ઝીણું કાંતવામાં આવશે તેમ માનવામાં આવે છે.

(12:41 pm IST)