Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

વડોદરામાં વડીલોના પુત્રો બની પોલીસ કમિશ્નર-પોલીસ ટીમ મદદરૂપ બનશેઃ અનોખો પ્રયોગ

૭૦૦ જેટલા સિનીયર સીટીઝનોના બેંક કાર્યમાં મદદરૂપ બનશેઃ કેફી પદાર્થોની હેરાફેરી રોકવા માટે એસઓજીમાં સ્પેશ્યલ ઓફીસર મુકાયાઃ અનુપમસિંહ ગેહલોતે સામાજીક જવાબદારી હોંશે હોંશે સંભાળી

રાજકોટ, તા., ૬: હરહંમેશ કંઇક નવુ  અને કંઇક અનોખુ કાર્ય અને તે પણ ખરા અર્થમાં સમાજલક્ષી કાર્ય કરવા માટે જાણીતા  વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે હવે સિનીયર સીટીઝનોને સુરક્ષા પુરી પાડવા સાથે આવા સિનીયર સીટીઝનોને બેંકોના કામમાં મદદરૂપ થવા માટે એક ખાસ સેલની રચના કર્યાનુ઼ સૂત્રો જણાવે છે.

ડીસીપી કક્ષાના સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળના આ સેલમાં જરૂરીયાતમંદ  સિનીયર સીટીઝનોનો પોલીસ સામેથી સંપર્ક કરશે અને તેમના કામ માટે માર્ગદર્શન આપી મદદરૂપ બનશે. બેંકને લગતા જે પણ કાર્યો હશે તે કાર્યો પોલીસનું આ ખાસ સેલ કરી આપશે અને આવા વડીલો સાથે કોઇ છેતરપીંડી ન થાય તેને માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે.

અત્રે યાદ રહે કે વડોદરા શહેરમાં એકલા રહેતા ૭૦૦ જેટલા સિનીયર સીટીઝનોની નોંધણી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી કરવામાં આવી છે અને તેઓને કોઇ પણ જરૂરીયાત સમયે સંપર્ક સાધવા હૈયાધારણા આપવામાં આવી છે. સિનીયર સીટીઝનોને આ રીતે પોલીસ કમિશ્નર અને પોલીસ ટીમ પુત્ર જેવા બની સેવાઓ આપશે.

સામાજીક જવાબદારી નિભાવવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા દેશમાં સૌ પ્રથમ વખત નશાકારક પદાર્થનો  ટેસ્ટ કરી શકાય તે માટે ખાસ પ્રકારની જે કીટ વસાવી છે અને જેની નોંધ કેરળ હાઇકોર્ટે  લઇ કેરળ સરકારને પણ વડોદરા પોલીસનો સંપર્ક સાધી આનુ અનુકરણ કરવા સુચવ્યું છે તેથી પ્રભાવીત થઇ વડોદરા પોલીસે યુવા વર્ગમાં નશાના વધતા જતા બંધાણો તથા ગાંજા, ચરસ અને બીજા નશીલા ઇન્જેકશનો વિગેરેની ગુજરાતભરમાં વધતી જતી માત્રા આડે સ્પીડ બ્રેકર મુકવા એસઓજીને ખાસ પ્રકારની આ એક માત્ર કામગીરી કરવા માટે આદેશ આપવા સાથે એક વિશેષ પોલીસ અધિકારીને આ જવાબદારી સુપ્રત કરી છે. આમ તો જો કે  પોલીસ કમિશ્નર દ્વારા વડોદરાના તમામ પોલીસ મથકોને નશીલા પદાર્થોનું નેટવર્ક છીનભીન્ન કરવા માટે કડક સૂચનાઓ  આપવામાં આવી છે તે બાબત જાણીતી છે.

(12:21 pm IST)