Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

‘મહા' વાવાઝોડાથી ૪ થી ૧૦ ઇંચ વરસાદ ખાબકશે

વાવાઝોડાની ક્ષમતા અને તાકાતમાં ઘટાડો થયો હોવાથી તારાજી ઘટી શકે તેવી શકયતા

રાજકોટ તા. ૬ :. અરબી સમુદ્રમાં ડેવલપ થયેલું ‘મહા' સાઇકલોન હવે ગુજરાતની નજીક આવી ગયું છે. ‘મહા'ની ક્ષમતા અને તાકાતમાં ઘટાડો થયો હોવાથી એનાથી તારાજી ઘટી શકે એવી શકયતા છે.

‘મહા' ની આડઅસરના ભાગરૂપે ભારે પવન અને વરસાદની શકયતા બિલકુલ નકારી શકાતી નથી. આ સંભાવનાને જોઇને ગુજરાતમાં અત્‍યારે ઓરેન્‍જ અલર્ટ જાહેર કરવામાં આવ્‍યો છે જે દર્શાવે છે કે ગુજરાતમાં ચાર થી દસ ઇંચ જેટલો વરસાદ પડે એવી શકયતા છે.

‘મહા' અત્‍યારે અરબી સમુદ્રમાં પોરબંદરથી ૬૦૦ કિલો મીટર દૂર અને દીવથી પ૧૦ કિલો મીટર દુર દરિયામાં સ્‍થિર  છે. એના ઘેરાવાની ક્ષમતા એક આઇલેન્‍ડ જેટલી વિશાળ છે પણ એની તાકાતમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે એ ઘટાડા પછી પણ એની અરબી સમુદ્રના આ કાંઠા તરફના પ્રયાણની દિશા બદલાય એવી શકયતા હવે બિલકુલ નહીંવત છે.

‘મહા'ના કારણે દીવને વધુ નુકશાન થવાની શકયતા જોવાતી હોવાથી ગઇકાલે સવારે બાર વાગ્‍યે દીવના એડમિનિસ્‍ટ્રેટિવ ઓફીસરની સુચનાથી ટૂરિસ્‍ટોને દીવ ખાલી કરવાનું કહેવામાં આવ્‍યું હતું. અત્‍યારે ગુજરાતમાં વેકેશન હોવાથી દીવમાં આઠ થી દસ હજાર જેટલા ટૂરિસ્‍ટો હતા જેણે ગઇકાલ બપોરથી સાંજ સુધીમાં દીવ ખાલી કરવાનું  શરૂ કરી દીધું હતું. દીવ ઉપરાંત ચોરવાડનાં અમુક લોકેશન પરથી પણ લોકોનું સ્‍થળાંતર કરાવવામાં આવ્‍યું તો કચ્‍છ, પોરબંદર, ભાવનગરના પણ અમુક વિસ્‍તારોમાંથી સ્‍થળાંતર કરવામાં આવ્‍યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ એ જ વાતને ધ્‍યાનમાં રાખવામાં આવી છે.

(11:42 am IST)