Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ફીફા અન્ડર-17 ફૂટબૉલ વર્લ્ડ કપ 2020 માટે અમદાવાદના ચાર મેદાનની પસંદગી કરાઈ

સૈજપુર બોઘામાં એસઆરપી ગ્રુપ 2 નું ગ્રાઉન્ડ, અમદાવાદ પોલીસ સ્ટેડિયમમાં આવેલું ગ્રાઉન્ડ. મેમકો ખાતેનું અને ચોથું નરોડા રીંગ રોડ પરના ગ્રાઉન્ડ નક્કી કરાયા

અમદાવાદ : 2020 ફીફા અન્ડર 17 ફૂટબૉલ વર્લ્ડ કપ ગુજરાત  અને ખાસ અમદાવાદ પોલીસ માટે ગૌરવરૂપ સાબિત થશે. આ મેચ માટે અમદાવાદના ચાર જેટલા મેદાન ફીફા તરફથી પસંદગી કરાઈ છે  આ મેદાનમાં રમત રમાઇ પણ શકે અથવા રમતમાં ભાગ લેનાર પ્લેયર્સની પ્રેક્ટિસ માટે પણ ઉપયોગમાં લેવાઇ શકે છે.


  ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબૉલ એસોશિયેશન એટલે કે ફીફાએ આ વખતે ગુજરાતમાં 2020 ફીફા અન્ડર 17 ફૂટબૉલ વર્લ્ડ કપ રમાડવાનું આયોજન કરી દીધું છે. સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા અને સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ગુજરાત સાથે મળી ફીફા ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. અહીં અનેક ગ્રાઉન્ડ ફૂટબૉલને લગતા જોયા બાદ કુલ ચાર ગ્રાઉન્ડ સિલેક્ટ કર્યા છે. આ ગ્રાઉન્ડમાંથી એક ગ્રાઉન્ડ છે સૈજપુર બોઘા ખાતે આવેલું એસઆરપી ગ્રુપ 2 નું ફૂટબૉલ ગ્રાઉન્ડ અને બીજું ગ્રાઉન્ડ અમદાવાદ પોલીસ સ્ટેડિયમમાં આવેલું ગ્રાઉન્ડ.  અન્ય બે જે ગ્રાઉન્ડ છે તે એક મેમકો ખાતે આવેલું છે અને ચોથું નરોડા રીંગ રોડ પર આવેલું છે.

  એસઆરપી જૂથ 2ના કમાન્ડન્ટ જી જી જસાણીએ જણાવ્યું કે, 'ફીફાએ આ મંજૂરી માટે અને પ્રક્રિયા માટે પોલીસ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી સાથે કરાર પણ કર્યા છે. જ્યારે મેચ રમાડવાની શરૂઆત થશે તે પૂર્વે જ આ ગ્રાઉન્ડ લાખો કરોડોના ખર્ચે તૈયાર કરી દેવાશે. આમ તો ક્રિકેટને લોકો વધુ પ્રાધાન્ય આપે છે પણ આ પ્લેટફોર્મ થકી લોકોમાં ફૂટબૉલ રમતને ખાસ પ્રોત્સાહન મળશે તેવું મનાઇ રહ્યું છે. જેમાં ફીફા વતી ગ્રાઉન્ડને ગ્રાસ સરફેઝ કરાશે તો સાથે સાથે નાઇટમાં રમત રમવા કે પ્રેક્ટિસ કરવા માટે થઇને ફ્લડ નાઇટ પણ નાખવામાં આવશે. આ નક્કી કરેલા તમામ ગ્રાઉન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડ વાળા હોવાનું પણ મનાઇ રહ્યું છે.'

  તેમણે વધુમાં જણાવ્યું કે 'ફીફા દ્વારા આ ગ્રાઉન્ડમાં ડ્રેસીંગ રૂમ, કસરત માટે વોર્મઅપ કરી શકે તે માટેના સાધનો સહિતની તૈયારીઓ કરાશે. ફીફાના પ્રિતિનિધીઓએ ભારત અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓ સાથે મિટીંગ કરી કરાર કર્યા હતા. એસઆરપી ગ્રુપ 2 ના ગ્રાઉન્ડની વાત કરીએ તો તે વર્ષોથી ફૂટબૉલ માટે મેઇન્ટેઇન કરવામાં આવ્યું છે. એક જ વિઝીટમાં ફીફાના પ્રતિનિધીઓએ આ ગ્રાઉન્ડને નક્કી કરી લીધું હતું. અહીં એસઆરપી અને પોલીસના જવાનો કે જે ફૂટબૉલ સારી રીતે રમતા હોય તેવા લોકો એક ટીમ તરીકે રમી રહ્યા છે. ફીફા દ્વારા ગ્રાઉન્ડ તૈયાર કરાશે તેનાથી પોલીસ ખેલાડીઓને પણ લાભ મળશે.'

 અમદાવાદ પોલીસ પાસે એક એવો પણ ખેલાડી છે કે જે પોલીસ ડ્યૂટી સાથે સાથે 20 વર્ષ કરતા પણ વધુ સમયથી પોલીસની ફૂટબૉલ ટીમનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા વિષ્ણુભાઇ ચૌહાણ ભારતની અનેક ટોપ મેચોમાં રેફરી તરીકે રહ્યા છે. એવું પણ બની શકે છે કે જ્યારે આ ટીમ રમવા માટે કે પ્રેક્ટિસ માટે આવે ત્યારે આ માસ્ટરને ટીમ સાથે લાઇઝનર તરીકે મૂકવામાં આવે. આ ચાર ગ્રાઉન્ડ એટલે સિલેક્ટ કરાયા કેમકે તેના માપદંડ મુજબ હોટલ, હૉસ્પિટલ જેવી પ્રાથમિક જગ્યાઓ ગ્રાઉન્ડથી નજીક છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ રમત અમદાવાદમાં રમાશે તો ક્રિકેટની જેમ જેમ તેનું પણ સ્તર વધશે અને પોલીસ માટે પણ આ ગૌરવની વાત છે. તો હવે ટૂંક સમયમાં જ ફરી ફીફા દ્વારા વિઝિટ કરી તેઓના પ્રોજેક્ટ શરૂ કરી દેવાશે તેવી વાત પણ સામે આવી છે.

(9:40 pm IST)