Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

કાલે નોમ અવસરે માતાજીના સિદ્ધિદાત્રી રૂપની પૂજા-અર્ચના

આઠમના હોમ-હવન, યજ્ઞને લઇ ભક્તિનો માહોલ : ભદ્રકાળી તેમજ ધનાસુથારની પોળના અંબાજી સહિતના મંદિરોમાં હજારો શ્રદ્ધાળુઓની માંના દર્શન માટે પડાપડી

અમદાવાદ,તા.૬ : નવરાત્રિ પર્વની સૌથી અનેરૂ અને શાસ્ત્રોકત મહાત્મ્ય ધરાવતી આઠમ નિમિતે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અંબાજી સહિતના માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા, હોમ, હવન અને નવચંડી યજ્ઞ સહિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરના સુપ્રસિધ્ધિ ભદ્રકાળી મંદિર, ધનાસુથારની પોળના ૮૦૦ વર્ષ જૂના અતિપ્રાચીન અંબાજી માતાના મંદિર સહિત, ભુલાભાઇ પાર્ક બહુચર માતાજી, માધુપુરાના અંબાજી માતા સહિતના વિવિધ મંદિરોમાં આઠમ નિમિતે માતાજીના અદ્ભુત શણગાર, પૂજા, મહાઆરતી, શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. નવરાત્રિ દરમ્યાન અષ્ટમીની પૂજા-આરાધનાનું વિશેષ અને ચમત્કારિક મહાત્મય હોવાથી શહેરના કાલે માતાજીના મંદિરોમાં આઠમને લઇ હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટયા હતા, જેને લઇ માતાજીની ભકિતનો માહોલ છવાયો હતો.

           હવે આવતીકાલે નોમના દિવસે માતાજીના સિધ્ધિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવશે. આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતો અને દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. આઠમને લઇ ભદ્રકાળી મંદિર, ધનાસુરથારની પોળના ૮૦૦ વર્ષ જૂના પ્રાચીન અંબાજી માતાજી, માધુપુરાના અંબાજી, ભુલાભાઇ પાર્ક બહુચર માતા સહિતના મંદિરોમાં માતાજીનો વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યો હતો. શહેરના ધનાસુથારની પોળના ૮૦૦ વર્ષ પ્રાચીન અને ઐતિહાસિક અંબાજી મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને ગૌરવવંતો રહ્યો છે, આ મંદિરની પ્રાચીન કથા વિશે ગાદીપતિ ભૂપેન્દ્રભાઇ અને દિપેનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સદીઓ પૂર્વે જયાંથી સાબરમતી નદી વહેતી હતી, તે હાલના માણેકચોક અને ફર્નાન્ડીઝ બ્રીજ વિસ્તારમાં કોતરો હતો અને હાલનો રિલીફ રોડ અને ગાંધી રોડનો વિસ્તાર પણ ખુલ્લો અને જંગલ જેવો હતો.

એ અરસામાં આ મંદિર અને મૂર્તિની સ્થાપના થયા હોવાનું મનાય છે. લાલભાઇ દલપતભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સંશોધનકારોના મત મુજબ, ધનાસુથારની પોળ સ્થિત અંબાજી માતાની આ મૂર્તિ સદીઓ પુરાણી છે અને મંદિર પણ એટલું જૂનું છે. આ મંદિરનો ૨૦૫ વર્ષ પૂર્વે જીર્ણોધ્ધાર કરાયો હતો. અગાઉના કોમી તોફાનો દરમ્યાન આ મંદિર પર એમઇ-૩૨ પ્રકારનો બોંબ પણ ફેંકાયા હતા પરંતુ માતાજીનો ચમત્કાર એટલો જબરદસ્ત હતો કે, મંદિર કે મૂર્તિને ઉની આંચ પણ આવી ન હતી. ધનાસુથારની પોળ સ્થિત આ અંબાજી મંદિર શહેરનું એકમાત્ર મંદિર એવું છે કે, જયાં નવરાત્રિ દરમ્યાન આઠમ સુધી રોજ માતાજીની ૧૦૮ દિવાઓની આરતી ઉતારવામાં આવે છે.

       આઠમ નિમિતે આજે રાત્રે ૧૨-૦૦ વાગ્યાથી વિશેષ મહાયજ્ઞ અને હવન યોજાયો હતો. સતત પાંચ કલાક સુધી ચાલતા આ નવચંડી મહાયજ્ઞમાં સવારે પાંચ વાગ્યે શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન કરાઇ હતી. હવે આવતીકાલે નોમ(નવમી)ના રોજ સોમવારે હજારો શ્રધ્ધાળુ ભકતો યજ્ઞકુંડની ભસ્મ લેવા પડાપડી કરશે. કારણ કે, નવરાત્રિની આઠમના આ મહાયજ્ઞ અને તેની ભસ્મનું ચમત્કારિક મહાત્મ્ય હોઇ શ્રધ્ધાળુઓમાં આખુ વર્ષ પોતાની તિજોરી, ધંધા-રોજગારના સ્થળોએ સંગ્રહી રાખે છે. માતાજી ભકતો પર અનેરી કૃપા વરસાવે છે. શહેરમાં આજે ભદ્રકાળી મંદિર સહિતના વિવિધ મંદિરોમાં માતાજીના દર્શન માટે હજારો શ્રધ્ધાળુઓએ લાંબી લાઇનો લગાવી હતી, જેને લઇ શહેરના વિવિધ અંબાજી મંદિરોમાં માંઇ ભકિતનો માહોલ છવાયો હતો.

(8:20 pm IST)