Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અમદાવાદમાં 1.90 લાખનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું, મહિલા અને યુવકની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ SOGએ એમ્ફેટામાઇન ડ્રગ્સનો 19 ગ્રામનો જથ્થા સાથે મહિલા અને યુવક આરોપીની ધરપકડ કરી છે. આ જથ્થાની કિંમત આશરે 1.90 લાખ રૂપિયા છે. એસઓજી ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગેની બાતમી મળ્યાં બાદ વડોદરા એક્સપ્રેસ વૅ પર નજર રાખવામાં આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે જમાલપુરમાં રહેતો નાસીરહુસેન શેખ ડ્રગ્સ લઈ અમદાવાદ આવી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે રામોલ બરોડા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. નાસીર હુસેન સાથે એક મહિલા પણ આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મહિલાની પૂછપરછ કરતા તેનું નામ નીલમ ઉર્ફે નેહા ઉર્ફે ઝોયા પરમાર (રહે. જમાલપુર) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બંનેની તપાસ કરતા મહિલા પાસેથી પાર્ટી ડ્રગ્સ એમ્ફેટામાઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ કબ્જે કરી ક્યાંથી લાવ્યા બાબતે પૂછપરછ કરતા નાસીર હુસેન આ ડ્રગ્સ મુંબઈથી સેન્ટ્રલ બે પાણીની ટાંકી પાસેથી નદીમ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પહેલા પણ 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું

થોડા સમય પહેલા નીતા ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડીને 1.46 કરોડ રૂપિયાનું MD ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. શહેરના ઢાલગરવાડમાં રહેતા પિતા-પુત્ર મુંબઈ અને ગોવાથી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા. પુત્ર મુંબઈના અસફાકબાવા નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો.

(3:19 pm IST)