Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

શહેરના ખાડા મોતનું કારણ બનતાં લોકોમાં ઉગ્ર આક્રોશ

કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી : ગરબા રમીને પરત ફરી રહેલી યુવતીનું જીએમડીસી પાસે ખાડામાં પડવાથી મોત : આધેડનું બાપુનગરમાં મૃત્યુ થયું

અમદાવાદ, તા.૬  : અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે અને ઠેર-ઠેર ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજય છવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઇકાલે નવરાત્રિ દરમ્યાન ગરબા રમીને પરત ફરી રહેલી ૧૮ વર્ષીય યુવતીનું જીએમડીસી પાસે ખાડામાં પડવાથી અને બાપુનગરના એક ખાડામાં પટકાવાથી આધેડ રીક્ષાચાલકના મોત બાદ શહેરભરમાં લોકોમાં ઉગ્ર આક્રોશ સામે આવ્યો છે. અમ્યુકો તંત્ર અને તેના સત્તાધીશોની ગંભીર બેદરકારી અને ઘોર નિષ્કાળજીના કારણે શહેરના રોડ-રસ્તાઓની આવી બિસ્માર હાલત હોઇ અને શહેરના ખાડાઓ જાણે મોતના ખાડા બન્યા હોઇ નિર્દોષ નાગરિકો મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે અમ્યુકો સત્તાધીશો અને તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે ફોજદારી કાર્યવાહી કરી સખત નશ્યત કરવા લોકો ઉગ્ર માંગણી ઉઠાવી રહ્યા છે. શહેરમાં મોતના ખાડામાં પોતાના પ્રિયજનને ગુમાવનારા પરિવારના સભ્યોએ પણ આજે અમ્યુકો સત્તાધીશો અને તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, જો અમ્યુકો તંત્ર દ્વારા સમયસર રસ્તાઓ સારા કરાયા હોત અને ખાડાઓ પૂરી લેવલીંગ કરાયુ હોત તો આજે તેમના સ્વજન ગુમાવવાનો વારો ના આવત પરંતુ તંત્રની બેદરકારીના કારણે તેમના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે.

              જો કે, હજુ પણ આ ઘટનાઓમાંથી બોધપાઠ લઇ અમ્યુકો તંત્ર અને સત્તાધીશો જાગે અને તાત્કાલિક શહેરના બિસ્માર રોડ-રસ્તાઓ અને મોતના ખાડાઓને પૂરી યોગ્ય સમારકામ કરે તો અન્ય નગરજનોના જીવ બચી શકે અને નિર્દોષ નાગરિકો ખાડામાં પડવાના કારણે સર્જાતા આવા અક્સ્માતમાં ઇજા પામવાથી પણ બચી શકે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં હાલ રોડ-રસ્તાઓનું જોરદાર રીતે ધોવાણ થઇ ગયુ છે. ઠેર-ઠેર મોટા મોટા ખાડાઓ, ભુવાઓનું સામ્રાજય છવાયુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે ત્યારે હવે નિર્દોષ નાગરિકોની ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃધ્ધો અને બિમાર-અશકત લોકોની વાહન ચલાવતી વખતે કે પગપાળા જતી વખતે તેઓની સલામતીને લઇ ગંભીર જોખમ ઉભુ થયુ છે.

           ખાસ કરીને આવા મોતના ખાડાઓમાંથી પસાર થવા એક પડકાર હોય તે પ્રકારની ચેલેન્જનો સામનો નગરજનોને કરવો પડી રહ્યો છે. રોજ શહેરના કોઇ ને કોઇ વિસ્તારમાં આવા મોતના ખાડામાં પટકાવાથી કે પડવાથી વાહનચાલકોને ઇજા, અક્સ્માત અને મોતની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે તેમછતાં નઘરોળ અને નીંભર અમ્યુકો તંત્ર અને તેના સત્તાધીશોનો આત્મા હજુ જાગતો નથી, તે બહુ શરમજનક અને આઘાતજનક કહી શકાય એમ કેટલાક જાગૃત નાગરિકોએ હૈયાવરાળ ઠાલવી હતી. આ નાગરિકો દ્વારા તાજેતરની ઘટનામાં પોતાના સ્વજન ગુમાવનાર પરિવારજનોને યોગ્ય વળતર સરકાર તરફથી ચૂકવાય તે માટે પણ માંગણી કરવામાં આવી હતી.

(9:46 pm IST)
  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST

  • જૂનાગઢના કેશોદના અજાબમાં વીજળી પડતા એકનું મોત ત્રણને ગંભીર ઇજા :વીજળી પડવાની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા access_time 5:51 pm IST

  • પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પહેલા જ રોકી આઝાદી માર્ચ : પીઓકેની રાજધાની મુઝફરાબાદથી શરૂ થયેલી આઝાદી માર્ચ નિયંત્રણ રેખાની નજીક પહોંચી : પાકિસ્તાની સેનાએ છ કિલોમીટર પહેલા રોકી દીધી : માર્ચમાં સામેલ લોકો સવારે ફરી આગળ વધવા મક્કમ :પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીત નિષ્ફળ : જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટે બોલાવેલી માર્ચ ત્રણ દિવસ પહેલા મુઝફરાબાદથી શરૂ થઇ હતી access_time 1:03 am IST