Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને વિધાનસભાની પેટા ચૂંટણી લડવાથી તેમને રોકવાની દાદ માંગતી હાઈકોર્ટમાં થયેલી અરજીના કેસમાં નવો વળાંકઃ અરજદારના વકીલને મળી રહી છે ધમકી

અમદાવાદ: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાથી તેમને રોકવાની દાદ માંગતી હાઈકોર્ટમાં થયેલી અરજીના કેસમાં નવો વળાંક આવ્યો છે. અરજી પર સુનાવણી સોમવારે હાઈકોર્ટમા છે ત્યારે અરજદારના વકીલ ધર્મેશ ગુર્જરે એવો આક્ષેપ કર્યો છે કે, તેમને ડરાવવાના અને પ્રલોભનો આપવાના પ્રયાસ થઈ રહ્યા છે.

અરજદાર અને તેમના વકીલ ધર્મેશ ગુર્જરે અલપેશ અને ધવલસીંહ સામે એવો આક્ષેપ કર્યો છે કે, તેમને કેસ પરત ખેચી લેવા માટે 11 કરોડ રુપીયા ની ઓફર કરવામા આવી છે. અરજદારના વકીલને 2 અજાણ્યા શખ્સોએ 11 કરોડ રૂપિયાનું પ્રલોભન આપ્યા હોવાનુ વકીલ ધર્મેશ ગુર્જરે જણાવ્યુ છે. ધર્મેશે જણાવ્યા અનુસાર, જો તે અને તેમના અસીલ પિટિશન પાછી ખેંચી લે, સુપ્રિમમાં અપીલ ના કરે અને અલ્પેસની 3 સીડી જે અરજદાર પાસે છે તે આપી દે તો તેમને 11 કરોડ રૂપિયા શનિવાર સાંજ સુધીમાં મળી જશે. વળી તેમને બે વાર અકસ્માતનો ડર પણ બતાવવામા આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વકીલે એમ પણ જણાવ્યું હતું કે, જે સ્થળ પર તેમને ઓફર કરાઈ ત્યાં CCTV લાગેલાં હતાં. એટલે તમામ ઘટના સિકત્વમાં કેદ થયેલ છે. જોકે, અરજદાર અને વકીલ ઘર્મેશ ગુર્જરે રુપીયા નહી લેવા અને હાઈકોર્ટમાં લડી લેવાની તૈયારી બતાવી છે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો કરતી એક રિટ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. જેમાં ૨૧મી ઓક્ટોબરના રોજ યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાથી તેમને રોકવાની દાદ માગવામાં આવી છે. રિટ દાખલ કરી દેવામાં આવી છે અને તેના પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

સમગ્ર મામલે અરજદાર સુરેશભાઇ સિંગલે એજવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હાઇકોર્ટ સમક્ષ રિટ કરીને એવી રજૂઆત કરી છે કે, બન્ને ધારાસભ્યોએ તેમના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી તેમને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ. એટલું નહીં હાલમાં બંન્ને વિરૂદ્ધ હાઇકોર્ટમાં થયેલી અરજીમાં સ્પીકર તેમના વિશે નિર્ણય લેશે તેવી બાહેંધરી અપાઇ છે. ત્યારે જ્યાં સુધી વિધાનસબાના સ્પીકર બન્નેને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાના મુદ્દે કોઇ નિર્ણય કરે ત્યાં સુધી તેમને ચૂંટણી લડવાની કોઇ સત્તા નથી. તે ઉપરાંત ચૂંટણી પંચે પણ પહેલા ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી હતી અને ત્યારબાદ કોઇ કારણોસર તેમણે રાધનપુર અને બાયડની ચૂંટણી અંગેનું પરિપત્ર કર્યું છે. જે પણ શંકા ઉપજાવતી બાબત છે.’

વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘અલ્પેશ ઠાકોર પહેલાં કોંગ્રેસ તરફથી રાધનપુરના ધારાસભ્ય હતા ધવલસિંહ ઝાલા કોંગ્રેસ તરફથી બાયડના ધારાસભ્ય હતા. તેમણે ગત રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપનો ભંગ કરી ક્રોસવોટિંગ દ્વારા ભાજપને મત આપ્યો. ત્યારબાદ તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. બન્ને ધારાસભ્યો પર પક્ષાંતર ધારાની જોગવાઇઓ લાગુ કરી તેમને વર્ષ સુધી કોઇપણ ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવે તેવી માગ કોંગ્રેસે કરી છે. તેમના રાજીનામાના કારણે બેઠકો ખાલી પડતા ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે અને બન્ને પૂર્વ ધારાસભ્યો હવે ભાજપના ઉમેદવાર છે. જો તેઓ ચૂંટણી જીતશે અને ત્યારબાદ સ્પીકર દ્વારા કોઇ નિર્ણય કરાશે તો ચૂંટણી વ્યર્થ જશે અને નાગરિકોના નાણાની બરબાદી થશે. અલ્પેશ ઠાકોર સમાજને પહેલાં એવું કહેતા હતા કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં, પરંતુ ત્યારબાદ તેઓ કોંગ્રેસના ધારાસભ્ય બની એવું કહેવા લાગ્યા કે તેઓ સત્તામાં રહી સમાજની સેવા કરવા માગે છે. હવે તેઓ તક જોઇને ભાજપમાં જોડાયા છે. બન્ને ધારાસભ્યો અંગત લાભના કારણે મતદારો સાથે દગો કરી રહ્યા હોવાનો અરજદારનો આક્ષેપ છે. તેથી તેમને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.

(11:22 am IST)