Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

વડોદરામાં સીટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત: ટેન્કર ચાલક ફરાર

ટેન્કર ધડાકાભેર બસ સાથે ભટકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા

વડોદરાના અક્ષર ચોક બ્રિજ ઉપર શહેરમાં સેવા પૂરી પાડતી વીટકોસ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે બસમાં સવાર કોઇ મુસાફરોને કોઇ જાનહાની થઇ ન હતી. ટેન્કર ધડાકાભેર બસ સાથે ભટકાતા બસમાં સવાર મુસાફરોના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ વડોદરા શહેરના અક્ષર ચોકથી અટલાદરાને જોડતા બ્રિજ ઉપરથી મુસાફરોને લઇ અક્ષર ચોકથી ભાયલી તરફ જતી વીટકોસ સીટી બસનો ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી સવાર બસ સાથે ટેન્કર ધડાકાભેર ભટકાતાની સાથે જ બસમાં સવાર મુસાફરો ચીસ પાડી ઉઠ્યા હતા. સદભાગ્યે મુસાફરોને કોઇ ઇજા પહોંચી ન હતી. અકસ્માત સર્જાતા જ ટેન્કર ચાલક ટેન્કર સ્થળ પર મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત થયેલ સીટી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી બીજી બસમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જોકે, બનાવની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી રસ્તો ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

(8:54 pm IST)