Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

લાપતા થયેલી વૃષ્ટિ-શિવમ મુંબઇ તરફ ગયાની આશંકા

બંને કાલુપુર રેલવે સ્ટેશનના સીસીટીવીમાં દેખાયા :શિવમના આવાસથી શરાબ મળતા ચર્ચાઓ : વૃષ્ટિ, તેના માતા-પિતા અલગ-અલગ રહેતા હોવાનું તપાસમાં ખૂલ્યુ

અમદાવાદ, તા.૫ : વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવા મામલે પોલીસને કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. ગુમ થયાના દિવસે બંને કાલુપુર રેલવે સ્ટેશન પાસે રીક્ષામાંથી ઉતરતા સીસીટીવીમાં નજરે પડતાં પોલીસે હવે તેઓ મુંબઇ તરફ ગયા હોવાની આશંકા વ્યકત કરી તે દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે તેઓ અમદાવાદથી તેઆ ટ્રેનમાં ક્યાં કયાં જઇ શકે તેની સંભાવનાઓને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ મુજબ લાલ કલરના ડ્રેસમાં વૃષ્ટિ અને માથે કેપ પહેરલો શિવમ પટેલ હોવાની પોલીસને શંકા છે. પોલીસ પુછપરછમાં એ હકીકત પણ સામે આવી છે કે, વૃષ્ટિ અને તેના માતા-પિતા અલગ-અલગ ફ્લેટમાં રહે છે. વૃષ્ટિની માતા શિવમને ઓળખે છે પરંતુ પિતા આ વાતથી અજાણ છે. વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ બંને સ્કૂલમાં ભણતા હતા ત્યારના મિત્રો હતાં. બંને વચ્ચે છેલ્લા અનેક સમયથી ગાઢ મિત્રતા હતી.

           પણ શિવમ છેલ્લા અનેક સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. વૃષ્ટિ અને શિવમની શોધખોળ કરતા પોલીસે ડ્રાઈવર અને ઘરઘાટીના નિવેદન લીધા છે. પોલીસને શિવમના ઘરેથી બિયર અને વાઈન મળ્યા છે. શિવમ નશો કરતો હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં પોલીસે આ કેસની લઈને બને પક્ષના કુલ ૨૦થી વધુ નિવેદન નોંધ્યા છે. જેમાં એવું સામે આવ્યું છે કે બંને વિદેશથી પરત આવ્યા હતા અને વૃષ્ટિ આગળ અભ્યાસ કરવા પણ વિદેશ જવાની હતી. વૃષ્ટિના માતા પિતા અમદાવાદ આવ્યા છે પણ શિવમના પરિવારજનો આવ્યા નથી. શિવમે તેના અનેક મિત્રો પાસેથી રૂપિયાની પણ માંગણી કરી હતી પણ કોઈએ હજુ મદદ કરી નથી. બંને શિવમના ઘરેથી રિક્ષામાં બેસીને કાલુપુર સ્ટેશન ગયા હતા અને ત્યાંથી ટ્રેન મારફતે મુંબઇ, એમપી કે રાજસ્થાન ગયા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. ત્યારે હજુ પણ બંનેના મોબાઈલ બંધ હોવાથી હજુ પોલીસ લોકેશન બાબતે અંધારામાં ફાંફાં મારી રહી છે. પાંચ દિવસ વીતવા છતાં પોલીસ હજુ બંનેના કોઇ ચોકક્સ સગડ મેળવી શકી નથી તે પણ એટલી જ વાસ્તવિકતા છે.

(9:11 pm IST)