Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

અમદાવાદમાં ૨૧ પોલીસ કર્મચારીઓ બુટલેગર સિતારાદેવી ભડભુજાની દિકરીઓના ફ્રેન્ડ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ

અમદાવાદઃ ઝોન-5ના ડીસીપી હિમકરસિંહે આંતરિક તપાસના આદેશ આપ્યા બાદ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, કુલ 21 પોલીસકર્મીઓ ફેસબુક પર બુટલેગરની દીકરીઓના ફ્રેન્ડ છે. તમામ પોલીસબેડામાં જાણીતા બુટલેગર હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેનું નામ સિતારાદેવી ભડભૂજા છે. એચ ડિવિઝનના એસીપી દ્વારા ઈન્ક્વાયરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, તપાસના રીપોર્ટ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે

સુત્રોએ જણાવ્યું હતું કે, બુટલેગરની દીકરીને પોલીસ તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી અથવા સામેથી મળી હશે. જે પછીથી પોલીસકર્મીએ સ્વીકારી હશે. સામાજિક કાર્યકર્તા કલિમ સિદ્દકીએ દાવો કર્યો હતો કે જે પોલીસકર્મીઓ તેના ફેસબુક ફ્રેન્ડલીસ્ટમાં છે તેઓ તેની તરફેણ કરે છે અને સુરક્ષા પણ કરે છે. સિતારાદેવી વર્ષોથી દારૂના અડ્ડાઓ ચલાવે છે અને પોલીસ કેટલાક પુરાવાઓને આધારે તેને સજામાંથી મુક્તિ અપાવી દે છે. જુજ એવા કેસ છે જે તેની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે.

રખિયાલ પોલીસ ટીમના કેટલાક પોલીસકર્મીઓ સાથે પણ તેની સાંઠગાઠ છે, જ્યારે તા. 24 જુલાઇના રોજ તેના દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી ત્યારે પોલીસે તેની ઘરપક઼ડ કરી હતી. કેસમાં તેના કેટલાક સાગરિતો પણ પોલીસના હાથે ઝડપાયા હતા. પરંતુ, સિતારાદેવી એક દિવસમાં લોકઅપમાંથી છૂટી ગઇ હતી. ચાર પોલીસ કર્મીઓને કેસમાં ફરજમાંથી સસ્પેંડ કરાયા છે જેમાં પીએસઓ દિલિપસિંહ અભેયસિંહ, કોનસ્ટેબલ ભરત દુહાભાઇ, એલઆરડીના ભરતસિંહ, મહિલા પોલીસ એલઆરડી કોનસ્ટેબલ શિતલનો સમાવેશ થાય છે. જ્યારે જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સિતારાદેવીનો ભાઇ અને તેના કેટલાક સાગરિત ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

(5:45 pm IST)