Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ખેડૂતોના રોષથી ફફડતી રૂપાણી સરકારઃ કૃષિ ખાતાએ પાકના સર્વે માટે પોલીસ રક્ષણ માંગ્યુ!

મનમાની રોકવાનો પ્રયાસ કે મનમાની કરવાનો પ્રયાસ? ભારે ચર્ચા

રાજકોટ તા. ૬: ચોમાસાની મોસમ પૂરી થતા હવે પાક વિમા માટે વાવેતરનો સર્વે કરવાનો સમય આવ્યો છે. પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત પાક કાપણી અખતરાના પ્રત્યક્ષ નિરીક્ષણ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ ફાળવવા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે રાજયના પોલીસ વડાને પત્ર પાઠવતા ખેડુતોમાં આ મુદ્ે ભારે ચર્ચા જાગી છે.સરકારી આ પધ્ધતિ વિવાદ જગાવે તેવી સંભાવના છ.ે

સરકાર પોલીસની હાજરીમાં સર્વે કરી શું કરવા માંગે છે. ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. જો પોલીસ બંદોબસ્ત હેઠળ પાક અખતરાના નિરીક્ષણની કામગીરી થશે તો તે ગુજરાતમાં પ્રથમ ઘટના બનશે તેવુ જાણકારોનું કહેવું છે.

અધિક મુખ્ય સચિવે ડી.જી.પી.ને પત્રમાં જણાવ્યું છે કે રાજયમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં હોય, સદરહું યોજના અન્વયે પાક વીમાના દાવાઓની ગણતરી કરવા માટે પાક કાપણી અખતરા આધારિત હેકટરદીઠ ઊપજનો ઉપયોગ થતો હોઇ, પાક વીમા યોજના હેઠળ આવરી લીધેલ બધા જ પાકોના પાક કાપણી અખતરાઓનું કાપણી સમયે પ્રત્યક્ષ નિરીક્ષણ કરાવવાનું સરકારીે ઠરાવેલ છે.

પાક વીમા યોજના હેઠળ રાજયના જુદા-જુદા જિલ્લાના જુદા જુદા પાકના જાહેર થયેલ ડીફાઇન વિસ્તાર (ગ્રામ/પંચાયત / તાલુકા)ના મોટા ભાગના પાક કાપણી અખતરાઓના પ્રત્યક્ષ નિરીક્ષણની કામગીરી ખેતીવાડી ખાતાના અધિકારીઓને, જિલ્લા આંકડા અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતના  અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. પાક કાપણી અખતરાની કામગીરી વખતે હિત ધરાવતા વ્યકિત દ્વારા કામગીરીમાં ખલેલ પહોંચાડવાની અથવા બીન જરૂરી દબાણ લાવવાની કોશીષ થયાની શકયતા રહે છે.તેથી પાક કાપણી અખતરાના પરિણામોની અગત્યતાને ધ્યાને લઇ પાક કાપણી અખતરાના કાપણી સમયે યોગ્ય પોલીસ બંદોબસ્ત જરૂરી છે. પોલીસ બંદોબસ્તને કારણે કર્મચારીઓ પાક કાપણી અખતરાઓની કામ અસરકારક રીતે કરી શકશે તેમજ પરિણામોની ચોકસાઇ પણ જળવાઇ રહેશે.(૬.૨૦)

(11:57 am IST)