Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સિંહોને જીવતદાન : આજથી તપાસ બાદ જરૂર મુજબ ડોઝ

અમેરિકાથી દવાનો જથ્થો જુનાગઢ પહોંચ્યોઃ ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારોમાં ઉંડી તપાસ શરૂ થઇ : નિષ્ણાત કર્મચારીની ટુકડી સતત સક્રિય કરાઇ

અમદાવાદ, તા.૫: ગીર પંથક અને આસપાસના વિસ્તારોમાં ટૂંકાગાળામાં જ એક પછી એક ૨૩ સિંહના મોત થયા બાદ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તાત્કાલિક ધોરણે અમેરિકાથી સિંહોમાં ફેલાયેલા ઇન્ફેક્શનને રોકવા માટે રસી મંગાવવામાં આવી ચુકી છે. આવતીકાલથી સિંહાની ચકાસણીની પ્રક્રિયા વધુ તીવ્ર બનશે અને જરૂર પ્રમાણે ડોઝ આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. સિંહોને બચાવા માટે અમેરિકાથી તાબડતોડ રસી મંગાવી લેવામાં આવી છે. સિંહોને જીવંતદાનના પ્રયાસ શરૂ કરવામાં આવી ચુક્યા છે. તંત્ર પણ સજ્જ થઇ ચુક્યું  છે. સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ(સીડીવી)ને નાથવા તે માટેની ખાસ વેક્સિન તાબડતોબ અમેરિકાથી મંગાવવામાં આવી છે. આજે આ વેક્સિન વિમાન માર્ગે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ પરથી ૩૦૦ જેટલી વેક્સિન જૂનાગઢ મોકલી આપવામાં આવી છે. આ વેક્સિન સિંહોને જે સ્થળે રાખવામાં આવ્યા છે તે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં આ વેક્સિન માયનસ ૧૬ ડીગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખવા માટે તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત ઈન્ફેક્શનથી થયાનું ખૂલતાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને એપી સેન્ટર જેવા અમરેલી જિલ્લામાં પશુ રસીકરણને ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા તથા એક પણ પશુ બાકી ન રહી જાય તેવી સરકાર અને તંત્ર દ્વારા તાકીદની સૂચનાઓ જારી કરાઇ છે. જયાં સિંહોના વસવાટ છે, તેની આસપાસના ગામોમાં વેક્સિનેસન પર મહત્તમ ધ્યાન આપવાનો દાવો થઇ રહ્યો છે, જેથી કરીને ગાય-ભેંસ કે ઘેંટા-બકરા સહિતના પશુઓમાંથી કોઇ રોગનો ચેપ સિંહોને લાગી ન શકે. એક બીમાર પશુ કે પ્રાણીમાંથી નીકળતી કેટલીક જીવાતોમાં બીજા પશુ કે પ્રાણીમાં રોગ ફેલાઈ શકતી હોવાથી આ સાવચેતી રાખવામાં આવી રહી છે. કૂતરાંઓની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે. માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કૂળનો આ વાઇરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક અઠવાડિયામાં જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વાઇરસ સતત દ્વિગુણ રૂપાંતરિત (બમણી ઝડપે શરીરમાં પ્રસરીને) થઇ જીવલેણ બની જાય છે. સીડીવી લાગુ પડ્યા પછી પ્રથમ ત્રણ દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાય છે. તેમની મૂવમેન્ટ ઘટી જાય છે. આંખોમાં દુઃખાવો, લાલાશ વર્તાય છે. ત્રણથી પાંચ દિવસ દરમિયાન ભારે ઊંચો તાવ આવે છે અને હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસરણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાઇરસની અસર મગજ સુધી પહોંચે ત્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે. સીડીવી વાઇરસના ખતરનાક પરિણામોને પગલે રાજય સરકાર દ્વારા અમેરિકાથી તાબડતોબ આ વાઇરસને નાથવા અને સિંહોના આરોગ્યની રક્ષા માટે ખાસ વેક્સિન મંગાવવાની ફરજ પડી હતી. તમામ સિંહોની ચકાસણી બાદ હવે જરૂર પ્રમાણે આ વેકિસન સિંહોને આપવામાં આવશે.

(10:18 pm IST)