Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

સાંસદ એસ. જયશંકર અને જુગલજીની જીતને પડકારતી સાત અરજીમાં દલીલો પૂર્ણ: 13મીએ હાઇકોર્ટ કરશે આદેશ

ચૂંટણીમાં મતદાન અલગ-અલગ યોજાયું હોવાથી હાઇકોર્ટમાં પિટિશન

 

અમદાવાદ: ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશનની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ તરફી રજુઆતો પુર્ણ કરવામા આવી છે.

તમામ પિટિશનો હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે કે કેમ તે અંગે આગામી ૧૩મી સપ્ટેમ્બરે કોર્ટ આદેશ કરશે. ચૂંટણીમાં મતદાન અલગ-અલગ યોજાયું હોવાથી કાયદાકીય ગૂંચવણો ટાળવા કોંગ્રેસે પરેશ ધાનાણી અને પરાજીત ઉમેદવારો ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેન ચુડાસમા મારફતે કુલ સાત પિટિશનો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી છે.

પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો.

ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ. જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી છે અને ત્રીજી પિટિશમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી છે.

પિટિશનો એક જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા શુક્રવારે સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવી અને અરજજદારો તરફે આજે રજુઆતો પુર્ણ કરવામા આવી છે.

(10:43 pm IST)