Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ચંદ્રયાન-૨ને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ : ભારતની સિદ્ધિ

અમદાવાદના બે વિદ્યાર્થીઓ પણ ઇસરોમાં પહોંચ્યા : ઇસરો કેન્દ્ર ખાતે પીએમ સાથે દેશના ૭૦ બાળકો હાજર

અમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચંદ્રયાન-૨નું ઉતારણ જોઈને ખુબ જ ખુશ ખુશાલ થયા છે. મોદી સાથે તેમને આ ઐતિહાસિક પળને માણવાની તક મળી છે. ઇસરો ખાતે અભૂતપૂર્વ તૈયારી કરવામાં આવી છે. બીજી બાજુ દેશભરમાં ચંદ્રયાન-૨ને લઈને ઉત્સાહનો માહોલ છે. ભારત સહિત સમગ્ર વિશ્વની નજર છે તે ચંદ્રયાન-૨ તા.૬-૭ સપ્ટેમ્બરની રાતે ૧-૩૦થી ૨-૦૦ વાગ્યા દરમ્યાન  ચંદ્ર પર ઉતરવાનું છે ત્યારે ચંદ્ર પર પ્રથમવાર ભારતની હાજરીની ઐતિહાસિક પળ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૭૦ બાળકો બેંગ્લુરુંના ઇસરો કેન્દ્રમાં હાજર હશે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ પણ પીએમ મોદી સાથે ચંદ્રયાનનું ઐતિહાસિક લેન્ડિંગ નિહાળશે. બીજીબાજુ, ચંદ્રયાન-૨ના સફળ લેન્ડિંગ માટે અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પ્રાર્થના અને દુઆઓનો દોર શરૂ થયો છે અને દેશવાસીઓમાં ભારે ઉત્તેજના અને આશાનો માહોલ છવાયો છે.

      ચંદ્રયાન-૨માંથી વિક્રમ લેન્ડરનું સફળ સેપરેશન થયા બાદ હવે ગણતરીના કલાકોમાં જ વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર લેન્ડર કરશે. ત્યારે ઇસરોએ ચંદ્રયાન-૨ના લેન્ડિંગની ક્ષણોનું જીવંત પ્રસારણ થશે, જે પીએમ મોદી નિહાળશે. આ ઐતિહાસિક પળને વડાપ્રધાન સાથે દેશના ૭૦ વિદ્યાર્થીઓ પણ નિહાળવાના છે. જેમાં કેન્દ્રીય વિદ્યાલયોના ૧૬ વિદ્યાર્થીઓ છે. ઈસરોએ ઓગસ્ટ મહિનામાં ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન યોજી હતી. જેમાં દેશની તમામ કેન્દ્રિય વિદ્યાલયોના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં કુલ ૧૬ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થી છે, આ વિદ્યાર્થીઓમાં એક છોકરો અને એક છોકરી છે. એક વિદ્યાર્થી વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયનો છે અને બીજો શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલયનો છે. આમ, અમદાવાદ શહેરના બે વિદ્યાર્થીઓને વડાપ્રધાન મોદી સાથે ચંદ્રયાન-૨ના ઐતિહાસિક લેન્ડિંગ નિહાળવાની બહુ દુર્લભ તક પ્રાપ્ત થઇ છે.

(9:26 pm IST)