Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

નર્મદા ડેમ ભયજનક સ્તરે પહોંચતા ગામ એલર્ટ થયા

ભાદર-૨, ઉકાઈ, આજવા, ટપ્પર ડેમ ઓવરફ્લો : ગુજરાત રાજયમાં સીઝનનો ૧૦૫ ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ, તા.૬ :  હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો કુલ ૧૦૫.૪૧ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. છેલ્લા ૨૪ કલાકથી અવિરત વરસાદના કારણે સૌરાષ્ટ્ર પંથક સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં તાલાલામાં છ ઇંચથી વધુ, લોધિકા અને જોડિયા અને પડધરીમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. નર્મદા નદીએ ભયજનક સપાટી ઓળંગતા ગોલ્ડન બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયા હતા, જેથી સેંકડો સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો, નર્મદા ડેમમાં આજે ઉપરવાસમાં ભારે વરસાદ અને નવા નીરની આવકને પગલે જલસપાટી ૧૩૫.૯૧ મીટરે ભયજનક સપાટીએ પહોંચી હતી. જેને પગલે ડેમના ૧૨ દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી. આ સિવાય રાજકોટમાં પણ આજે ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજકોટમાં ભાદર ૨ ડેમ ઓવરફ્લો થતાં ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા  હતા. તો, સુરતનો ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે.

          તો કચ્છ જિલ્લાના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. આજવા ડેમની સપાટી ૨૧૨.૮૫ ફૂટે પહોંચતા ફરી ઓવરફ્લો થયો હતો. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓમાં ફરીથી પૂરનો ભય જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તા.૫ અને ૬ સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી મુજબ, આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ  પડયો હતો. તો, ભાદર-૨ ડેમ છલોછલ થતા હેઠળ આવતા ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ધોરાજીના ૪, ઉપલેટાના ૧૫, માણાવદરના ૪, કુતિયાણાના ૧૦ અને પોરબંદરના ૪ થી વધુ ગામોનો સમાવેશ છે. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા ૭૦ લોકોનું સ્થળાંતર નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને પગલે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી ગઇ છે.

           જેને પગલે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના ૪૦થી વધુ ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે અને ગોલ્ડન બ્રિજ પાસે ઝૂંપડપટ્ટીમાં પાણી ઘૂસી આવતા ૭૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉત્તર કેરળના દરિયાઈ વિસ્તારમાં રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ જિલ્લામાં તા.૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ ૩૩.૮૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સિઝનનો કુલ ૧૦૫ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ચોથી વખત ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૧૩માં ૧૪૭.૨૪ ટકા ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં પ્રથમવાર ૧૦૦ ટકા વરસાદ થયો છે.

(8:36 pm IST)