Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરાના કરનાળીના સોમનાથ ઘાટમાં અરૂણ જેટલીના અસ્થિઓનું પરિવાર દ્વારા વિસર્જનઃ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર

વડોદરા: સ્વ. અરુણ જેટલીનો પરિવાર કરનાળીના સોમનાથ ઘાટ ખાતે આવી પહચ્યો છે. કરનાળી અને ચાંદોદના બ્રાહ્મણો દ્વાર વૈદિક મંત્રોચ્ચાર સાથે અરુણ જેટલીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. જો કે, આ સમયે ગાયક કલાકાર અતુલ પુરોહિતની ભજન સંધ્યા વચ્ચે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે દરમિયાન જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ વડોદરાના મેયર જીગીશાબેન શેઠ સહિતના લોકો હાજર છે. તો આ સાથે અરૂણ જેટલી દ્વારા દત્તક લેવામાં આવેલું ગામ કરનાડીના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે.

દેશના પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની ગત ઓગસ્ટ મહિનામાં તબિયત નાદુરસ્ત હોવાથી તેમને સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 24 ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું. ત્યારે આજે અરુણ જેટલીનો પરીવાર યાત્રાધામ ચાંદોદ ખાતે અસ્થિ કળશ લઈને પહોંચ્યો હતો. જ્યાં અરુણ જેટલીના અસ્થિ કળશની ચાંદોદની સંસ્કૃત જાંબુ પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી હતી. તે સમયે અરુણ જેટલીના અસ્થિના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

ચાંદોદમાં અસ્થિ કળશની પૂજા પાઠ કરાવ્યા બાદ અરુણ જેટલીની પત્ની સંગીતા જેટલી, પુત્રી સોનાલી અને પુત્ર રોહન કરનાળીના ત્રિવેણી સંગમ સ્થાન સોમનાથ ઘાટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગાયક કલાકાર અતુલ પુરોહિતની ભજન સંધ્યા વચ્ચે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમિયાન કરનાળી ગામના બાળકો અરુણ જેટલીની ટી-શર્ટ પહેરી અસ્થિ વિસર્જન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સાથે જિલ્લા કલેક્ટર શાલિની, ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરાના મેયર જીગીશાબેન શેઠ સહિતના મહાનુભવોએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીએ આદર્શ ગામ યોગના અંતર્ગત વડોદરાના ડભોઇ તાલુકામાં આવેલા કરનાળી ગામને દત્તક લીધું હતું. જ્યાં તેમને વિકાસના કાર્યો કર્યા છે. અરુણ જેટલીએ ગામને દત્તક લીધા બાદથી આ ગામમાં દરેક જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે. 1000થી 1500 વસ્તીવાળા આ ગામમાં મહિલાઓને રોજગારથી લઇને ગામમાં કન્યા શાળા, સોલર લાઇટ્સ, પાક્કા રસ્તા, તેમજ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જેવી તમામ સુવીધાઓ ઉપલબ્ધ છે. ત્યારે કરનાડીના સોમનાથ ઘાટ ખાતે અરુણ જેટલીના અસ્થિ વિસર્જન કાર્યક્રમમાં આખુ કરનાડી ગામ ઉમટ્યું છે.

(5:36 pm IST)