Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બે દિ' મેઘરાજા જમાવટ કરશે : ૨૪ કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાત-આંધ્ર-મધ્‍ય મહારાષ્‍ટ્ર અને ઓરીસ્‍સામાં પણ ભારે વરસાદ પડશે : સૌરાષ્‍ટ્ર - ગુજરાત ઉપર બે - બે સિસ્‍ટમ્‍સ સક્રિય : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વધુ અસર દેખાશે : એકાદ બે સ્‍થળોએ ભારે વરસાદ પડશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૬ : ફરી મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસથી કોઈ - કોઈ જગ્‍યાએ ભારે તો કોઈ સ્‍થળોએ હળવાથી મધ્‍યમ વરસી રહ્યો છે. દરમિયાન હજુ બે થી ત્રણ દિવસ વરસાદી જોર યથાવત રહેશે. સૌરાષ્‍ટ્ર - ગુજરાત ઉપર બે - બે સિસ્‍ટમ્‍સ સક્રિય હોય ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વરસાદની વધુ અસર જોવા મળશે. એકાદ બે સ્‍થળોએ તો ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્‍યુ છે કે ઓરીસ્‍સાના દરિયાકિનારે લો પ્રેસર છવાયુ છે. મોનસુન ટ્રફ પણ નોર્મલ પોજીશનમાં છે. એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી લંબાય છે.

ઉકત સિસ્‍ટમ્‍સની અસરથી ભારે વરસાદની આગાહી થઈ છે. જેમાં ૨૪ કલાક વધુ અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વધુ વરસાદની સંભાવના છે. ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, મધ્‍ય મહારાષ્‍ટ્ર અને ઓરીસ્‍સામાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

(11:44 am IST)