Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગુજરાતમાં ૧૦૦૦ લોકોને કુતરૂ કરડે છે

વધ્યો છે રખડતા કુતરાઓનો ત્રાસ : સૌથી વધુ કેસ અમદાવાદમાં જયારે ભાવનગરમાં એક પણ નહિ

અમદાવાદ, તા.૬: ગુજરાતમાં  રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાતનો અંદાજ પાછલા ૧ મહિનામાં કૂતરા કરડવાના નોંધાયેલા કેસો પરથી જાણી શકો છો. સ્વાસ્થ્ય વિભાગના ડેટા મુજબ ૨૨ જુલાઈથી ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં રાજયમાં કૂતરા કરડવાના કુલ ૨૭,૨૯૯ કેસ નોંધાયા છે. જે એવરેજ મુજબ રોજના ૧૦૦૦ કેસો થાય છે.

જોકે સદ્બાગ્ય રીતે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આ સમય દરમિયાન કૂતરા કરડવાનો એક પણ કેસ નોંધાયો નથી. આઠ મહાનગર પાલિકાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે ૩૯૨૦ કૂતરા કરડવાના કેસો નોંધાયા. આ આંકડો વડોદરા અને સુરતમાં નોંધાયેલા કેસોની સરખામણીએ ત્રણ ગણો જયારે રાજકોટથી આઠ ગણો વધારે છે.

બજારમાં હડકવાની રસી સરળતાથી ઉપલબ્ધ નથી તેવામાં આટલી મોટી સંખ્યામાં કૂતરાઓના કરડવાની બાબત ચિંતાજનક કહી શકાય. ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના અલ્પેશ પટેલે કહ્યું, 'સરકારી હોસ્પિટલોમાં આ રસીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ માર્કેટમાં હડકવાની રસીની શોર્ટેઝ હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલો અને કિલનિકમાં તે સરળનાથી ઉપલબ્ધ નથી.'

અમદાવાદના પ્રકૃતિવાદી હસીબ શેખે ચેતવણી આપતા જણાવ્યું કે, ઓગસ્ટથી સપ્ટેમ્બર કૂતરાઓના પ્રજનનો સમય છે. આ સમયે દરમિયાન તેઓ વધારે એગ્રેસીવ થતા હોય છે. આથી કૂતરાઓ હોય તેવા રોડ પરથી પસાર કરવાનું ટાળવું જોઈએ. જો તેમ શકય ન હોય તો હાથમાં લાકડી જેવી વસ્તુ લઈને નીકળવું જોઈએ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીનિયર કર્માચારીએ જણાવ્યું, 'ઘણા લોકો રખડતા કૂતરાઓને ખાવાનું આપતા હોય છે, શહેરમાં કૂતરાઓની વધતી સંખ્યા પાછળ આ એક કારણ પણ જવાબદાર છે.' ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કૂતરા કરડવાની ઘટનાઓમાં ૨૦૧૦ અને ૨૦૧૭ વચ્ચે ૮૭ ટકાનો વધારો નોંધાયો છે.

(10:20 am IST)