Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારે ઓફશોર ટ્રફ સક્રિય : ઓડિશાના દરિયા કિનારે એક હવાનું હળવું દબાણ :રાજસ્થાન પરથી ચોમાસાની ધરી પસારથતા ગુજરાતમાં વરસાદ ખાબકશે

 

અમદાવાદ : રાજ્યમાં કેટલાક સ્થળોએ આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં એક સાથે ત્રિચોમાસુ સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં ભારે વરસાદના સંજોગો ઉભા થયા છે.

   હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં નવસારી, વલસાડ, ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કે મહિસાગર, વડોદરા, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, દિવ-દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકામાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ વરસી શકે છે.

    અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. હાલમાં દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારે ઓફશોર ટ્રફ સક્રિય છે. ઉપરાંત ઓડિશાના દરિયા કિનારે એક હવાનું હળવું દબાણ સર્જાયેલું છે. જ્યારે રાજસ્થાન પરથી ચોમાસાની ધરી પસાર થઇ રહી છે. જેને લઇને રાજ્યમાં 48 કલાક સુધી મૂશળધાર વરસાદની શક્યતા છે. ઉપરાંત માછીમારોને દરિયો ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

(11:59 pm IST)