Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મુખ્યમંત્રી સાથે મોકળા મને ની બીજી શૃંખલા

શિક્ષક દિને રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકોને મુખ્યમંત્રી આવાસે નિમંત્રી શિક્ષકોના અનુભવો કારકીર્દી નિચોડના ઉપયોગ માટે મુકત મને સંવાદ સાધતા વિજયભાઇ રૂપાણી

શિક્ષણ સુધારણા – ગુણવત્તાયુકત શિક્ષણના નાવિન્યપૂર્ણ પ્રયોગો-પ્રવૃત્તિઓ શિક્ષકો અલગ-અલગ કરે છે તેના સંકલિત પ્રેઝન્ટેશનથી રચનાત્મકતાનો વિનિયોગ - પરિચય કરવો છે :શિક્ષકોએ મોકળા મને મુખ્યમંત્રી સમક્ષ વિચારો વ્યકત કર્યા

 

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને શરૂ કરેલામુખ્યમંત્રી સાથે મોકળા મનેવાતના નવતર પ્રયોગની બીજી શૃંખલામાં શિક્ષક દિને તેમણે રાજ્ય પુરસ્કૃત શિક્ષકોને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સંવાદ-ગોષ્ઠિ કરી હતી

વિજયભાઇ રૂપાણીએ શિક્ષકો સાથે સંવાદ સાધતા કહ્યું કે ટૂ-વે કોમ્યુનિકેશન છે એટલે શિક્ષકોના બહોળા અનુભવ અને કારકીર્દીના નિચોડના આધાર ઉપર ભાવિ પેઢીનું ઘડતર શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા થાય તેના મનોમંથનવિચાર વિનિયોગ માટેનો પ્રયોગ છે.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારના અન્ય વિભાગોની કામગીરી લક્ષ્યાંક આધારિત હોય છે પરંતુ શિક્ષણ-વિભાગે તો ભાવિ પેઢીના નિર્માણનું ઉમદા કાર્ય કરવાનું છે. આપણે વિશ્વના પડકારોનો સામનો કરી શકે તેવી સામર્થ્યવાન પેઢી તૈયાર કરવી છે તે આપણો લક્ષ્ય હોવો જોઇએ એમ પણ તેમણે કહ્યું હતું

   શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વિવિધ જિલ્લાના શિક્ષકોએ રજૂ કરેલા મંતવ્યોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વધારવા તેમજ સેલ્ફ ફાઇનાન્સ ખાનગી શાળાઓ કરતાં સારૂં શિક્ષણ આપીને સરકારી શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી સ્થિતી નિર્માણ કરવાની પહેલને આવકારી હતી

મુખ્યમંત્રીએ સંદર્ભમાં કહ્યું કે, શિક્ષણ સુધારણાના નાવિન્યપૂર્ણ પ્રયોગો પ્રવૃત્તિઓ શિક્ષકો જે અલગ-અલગ પધ્ધતિ કે સ્થળે કરે છે તેના એક સંકલિત પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષકોની રચનાત્મકતાનો સુઆયોજિત ઉપયોગ અને પરિચય કરવાની નેમ છે

  શ્રી વિજયભાઇ રૂપાણીએ બાયોમેટ્રિક એટેન્ડસ સહિતની ટેકનોલોજી શિક્ષકોને પરેશાન કરવા માટે નહિ પરંતુ નિયમીતતા લાવવા અને તેમની રોજિંદી કામગીરી સરળ કરવાનો સુગ્રથિત પ્રયાસ છે તેવો સ્પષ્ટ મત પણ સંવાદ દરમ્યાન વ્યકત કર્યો હતો

  મુખ્યમંત્રીએ શિક્ષકોએ નિવૃત્ત એવોર્ડી શિક્ષકોની સેવાઓનો લાભ લેવા તથા સમયાંતરે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવા, બુનિયાદી શિક્ષણની સુવિધાઓ વધારવા સહિતના જે મંતવ્યો રજૂ કર્યા તેને મુકત મને સાંભળ્યા હતા

તેમણે ઉમેર્યુ કે, સરકાર ખૂલ્લા મને શિક્ષણ સુધારણા માટેના સુચારૂ મંતવ્યો આવકારે છે. તેમણે એમ પણ કહ્યું કે, શિક્ષક સમુદાય પોતાના સૂચનો મંતવ્યો પત્ર દ્વારા મુખ્યમંત્રીને મોકલી આપશે તો યોગ્ય જણાયે તે અંગે પણ જરૂરી નિર્ણયો રાજ્ય સરકાર કરવાની દિશામાં આગળ વધશે

મુખ્યમંત્રીએ મોકળા મને વાતનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતર અને સક્ષમ રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષક સમુદાયના વિચારો રાજ્યને વધુ શકિતશાળી બનાવશે

પ્રારંભમાં પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવે શિક્ષણ વિભાગની ટેકનોલોજી પ્રેરિત પ્રવૃત્તિઓની રૂપરેખા પ્રેઝન્ટેશનથી આપી હતી

મુખ્યમંત્રીના સચિવ  અશ્વિનીકુમાર સહિતના અધિકારીઓ આ સંવાદ ગોષ્ઠિમાં ઉપસ્થિત રહ્યા હતા. 

(12:36 am IST)