Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ભૂગર્ભમાં ઉતરેલા ઢબુડીનો નવો વિડિયો હવે સપાટી પર

ફરાર હોવાના અહેવાલને સ્પષ્ટપણે રદિયો આપ્યો :ફરિયાદ બાદ ધનજી ઉર્ફે ઢબુડી ધરપકડના ડરે ભૂગર્ભમાં કોર્ટમાં ધનજીની જામીનની અરજી ઉપર સુનાવણી કરાશે

અમદાવાદ, તા.૫: પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. બીજીબાજુ, આવતીકાલે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી અંગે સુનાવણી છે, ત્યારે આજે ધનજી ઓડનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધનજીએ વીડિયોમાં જણાવ્યું કે, છેલ્લા બે-ત્રણ રવિવારથી ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. જો કે, હું ભક્તોને કહેવા માંગું છું કે હું ફરાર થયો નથી. હું નિર્દોષ છું. ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટુ કરનારાને મારો રામ સજા આપશે. મીડિયા બોલ્યું નથી, મીડિયાને બોલાવવામાં આવ્યું છે. ધનજીએ વીડિયોમાં જણાવ્યા મુજબ, દરેક ભાવિ ભક્તોને રામ રામ, દરેક ભક્તો ખૂબ દુઃખી થઈ ગયા છે, ઘણાં લોકોના મનને ઠેસ પહોંચી છે.

         ધીરે ધીરે લોકોની આસ્થામાં વધારો થયો હતો. મેં પ્રવચનો દ્વારા લોકોને ઘણું શીખવાડ્યું. બહેનોને મર્યાદા શીખવી. મહિનાનાં પાંચ દિવસ પાળવા, પૂજા-પાઠ થતાં હોય તેની નજીક ન જવું, ધર્મના પાંચ દિવસ હોય, મહિનાનાં પાંચ દિવસ હોય તો મંદિર બંધ ન કરવું. દિવા-બત્તી ચાલુ રાખો. મા-બાપની મર્યાદા રાખવી. મા-બાપના નિહાકા ન લેવા. છેલ્લા બે-ત્રણ રવિવારથી લોકોને ગાદીના દર્શન થયાં નથી. પહેલાં લોકો હતા, હવે ભક્તો થયાં છે. લોકો ભક્ત ક્યારે બન્યાં ? જ્યારે લોકોની તકલીફો દૂર થઈ ત્યારે લાખો લોકો દર રવિવારે મારા સાનિધ્યમાં આવી રહ્યા છે. દર્શને આવતાં લોકો બે લાખ હોય કે લાખ હોય તેને પાકા ભોજનો ખવડાવ્યાં, સતયુગમાં પણ દેવ-દાનવો હતા, પરંતુ જીત સત્યની જ થઈ હતી અને જીત સત્યની જ થાય છે. જ્યારે લોકોને પોતાને અનુભવ થાય ત્યારે જ વિશ્વાસ આવે છે. મને ખબર છે, કોણ-કોણ ખોટા લોકો છે, કોણે મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ આ કામ કર્યુ,

હું સમય આવ્યે એમના નામ આપીશ. બે લોકો છે, જેમણે આ કામ કર્યુ છે.

દેશ-વિદેશમાં મારા ભાવિકોને ઠેસ પહોંચાડી છે. જો કે, ધનજી ઉર્ફે ઢબુડીના આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તો, ધનજીની આવતીકાલની આગોતરા જામીનઅરજીની સુનાવણી પર સૌની નજર છે.

(8:41 pm IST)