Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમરાઈવાડીમાં સો વર્ષ જૂનુ મકાન ધરાશાયી : બેના મોત

કાટમાળમાંથી પાંચ લોકોને બહાર કઢાયા : મકાન ધરાશાયી થયા બાદ ફાયરબ્રિગેડના જવાનોની ભારે પ્રશંસનીય કામગીરી : બનાવને પગલે ભારે ચકચાર મચી

અમદાવાદ, તા.૫: અમદાવાદ શહેરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમરાઈવાડીમાં વર્ષો જુનુ મકાન ધરાશાયી થઇ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. મોડેથી બેના મોતના અહેવાલને સમર્થન મળ્યું હતું. કાટમાળ હેઠળ ફસાયેલા લોકોને સલામત કાઢવામાં આવ્યા હતા. જો કે, આમાથી મોટાભાગના લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. તમામને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. જુના મકાન અને ઇમારતો પર હાલ તંત્રને ધ્યાન આપવાની જરૃર દેખાઈ રહી છે. વરસાદી માહોલમાં આ પ્રકારની ઘટનાઓ બની શકે છે. અમરાઈવાડીની ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે. અગાઉ પણ આવી ઘટના બની હોવા છતાં તંત્ર નિષ્ક્રિય અને ઉદાસીન રહ્યું છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે ૧૦૦ વર્ષ જૂનું ત્રણ માળનું એક મકાન આજે બપોરે એકાએક ધરાશાયી થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

     ગંભીર એવી આ દુર્ઘટનામાં વિમળાબેન નામની મહિલા સહિત કુલ બે મહિલાના કરૃણ મોત નીપજયા હતા., જયારે અન્ય કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત તમામ લોકોને નજીકના એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું સો વર્ષથી પણ જૂનું ત્રણ માળનું મકાન આજે અચાનક જ ધરાશાયી થયું હતું. જેમાં દસ જેટલા લોકો દટાયા હતા. તે પૈકી ૫ાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓને તાત્કાલિક નજીકની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતું. જો કે, આ દુર્ઘટનામાં બે મહિલાના કરૃણ મોત નીપજયા હતા. બીજીબાજુ, કાટમાળમાં ફસાયેલી અન્ય વ્યકિતઓને કાઢવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. દુર્ઘટનાને પગલે આસપાસના લોકો દોડી જતા ટોળેટોળા ઉમટયા હતા. તો, ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રશંસનીય બચાવ કામગીરી હાથ ધરી હતી. અમરાઈવાડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને ભીડ પર કાબૂ મેળવી હતી.

મકાન ધરાશાયી થયું....

*        શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ચકચાર મચી ગઈ

*        ફાયર બ્રિગેડની ટુકડીએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને તમામને કાટમાળ હેઠળથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા

*        ઘટનામાં બે લોકોના મોત થયા

*        ઘટના બાદ આસપાસના લોકો પણ દોડી જતાં ટોળેટોળા ઉમટ્યા

*        અમરાઈવાડી પોલીસ પણ ઘટના સ્થળે કાફલા સાથે પહોંચી

*        યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ

*        વરસાદી માહોલમાં જુના અને જર્જરિત મકાનો પડવાનો સિલસિલો જારી

(8:37 pm IST)