Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદમાં સતત બીજા દિને ધોધમાર વરસાદ જારી જ રહ્યો

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા : વરસાદને લઇ વિવિધ વિસ્તારોમાં ખાડા, ભૂવા પડવાની તેમજ રસ્તા તૂટવાની તેમ જ ધોવાણ થવાની પણ ફરિયાદો

અમદાવાદ, તા.૫:  અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી વધુ ભરાયેલા જોવા મળ્યા હતા. તો શહેરમાં તાજેતરના વરસાદને લઇ વિવિધ વિસ્તારોમાં ખાડા અને ભૂવા પડવાની તેમ જ રસ્તાઓ તૂટવાની તેમ જ ધોવાણ થવાની પણ ફરિયાદો ચાલુ રહેવા પામી હતી. ગઇકાલે અમદાવાદ શહેરમાં રાત્રે એક જ કલાકમાં દોઢથી બે ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં ૧૬ દિવસના વિરામ પછી ગઇકાલે ખાબકેલા તોફાની અને ધોધમાર વરસાદે જાણે શહેરને થોડીવાર માટે ઘમરોળી નાંખ્યું હતું. રાત્રે આઠથી નવ વાગ્યાના એક કલાકના જ ગાળામાં શહેરમાં સાર્વત્રિક દોઢ ઈંચથી બે ઇંચ સુધીનો ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વટવા અને નરોડામાં અઢી ઈંચ પડ્યો હતો.

         જ્યારે ઓઢવ, વિરાટનગર, મેમ્કો વિસ્તારમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ રાણીપ અને બોડકદેવમાં પડ્યો હતો. અડધાથી અઢી ઈંચ વરસાદમાં શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા. જો કે, વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયા હોવાનો દાવો મ્યુનિ.એ કર્યો હતો. વરસાદની ભારે તીવ્રતાને પગલે વાસણા બેરેજની સપાટી ૧૩૪ ફૂટેથી ઘટાડી ૧૩૦.૫૦ ફૂટની થઇ હતી. સિંચાઈ વિભાગે મ્યુનિ. તંત્રની કોઈપણ સૂચના મળે તે પહેલાં જ વાસણા બેરેજના છ દરવાજા ખોલી ૧૭,૯૯૨ ક્યુસેક પાણી છોડ્યું હતું. ગઇકાલની જેમ જ આજે પણ વહેલી સવારે અને બપોર બાદ તેમ જ સાંજે અને મોડી રાત્રિએ શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં નોંધાયા હતા.

         આજે પણ અમદાવાદ શહેરનું વાતાવરણ બપોર બાદ એકદમ વાદળછાયુ અને વરસાદના કારણે એકદમ ઠંડકમય બની ગયુ હતું, જેના કારણે લોકોએ બાફ અને ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા આજના વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારમાં થોડા પાણી ભરાઇ ગયા હતા, જેમાં પૂર્વના વિસ્તારમાં વધુ અસર જોવા મળી હતી. અમદાવાદમાં આજે દિવસમાં હળવા ઝાપટા જારી રહ્યા હતા. જો કે, મોડી સાંજે ધોધમાર વરસાદ થયો હતો. વિવિધ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. મોડી સાંજે વરસાદ પડવાથી ઘરે જવા માટે નિકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(8:38 pm IST)