Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

બાળકો માટે એડવેન્ચર્સ કોર્સમાં ભાગ લેવા સૂચન

અરજીઓ આમંત્રિણ કરવામાં આવી

અમદાવાદ,તા.૬: રાજ્યના અનુસૂચિત જાતિના ૮થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકો સાહસિક બને, કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એડવેન્ચર કોર્સનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સાત દિવસ માટે એડવેન્ચર કોર્સની તાલીમ આપવાનું નક્કી કરાયું છે. તદ્અનુસાર રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે સાત દિવસનો એડવેન્ચર કોર્સ આગામી ઓક્ટોબર-૨૦૧૮માં માઉન્ટઆબુ ખાતે યોજવામાં આવનાર છે જેમાં પસંદ થયેલ ૧૦૦ બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવશે. માત્ર અનુસૂચિત જાતિના બાળકો કે જેઓ ૩૧-૧૨-૨૦૧૮ના રોજ ૮થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નીચે જણાવેલ વિગતો સાથેની પોતાની અરજી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી જેમાં સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારી, પાલનપુર, જિલ્લા બનાસકાંઠાને ૩૦-૦૯-૨૦૧૮ સુધીમાં મોકલી આપવાની રહેશે. કાર્યક્રમ દરમિયાન નિવાસ, ભોજન, કાર્યક્રમ સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પસંદ થનાર બાળકોને પત્ર, મોબાઇલ, ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. પસંદ થનારને જિલ્લા રમતગમત  અધિકારી, પાલનપુર, જિલ્લા બનાસકાંઠા મારફત જાણ કરવામાં આવશે.

(9:59 pm IST)