Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

સંજીવ ભટ્ટને રિમાન્ડ પર લેવા સીઆઈડી ટીમ પાલનપુર કોર્ટ પહોંચી

પૂર્વ હાઈકોર્ટ જજના બહેનની દુકાન ખાલી કરાવવાના કાવત્રામાં હજુ ૯ની ધરપકડ તૂર્તમાં થશેઃ પૂર્વ આઈપીએસના હસ્તાક્ષર એફએસએલમાં મોકલાયા : બરતરફ પૂર્વ આઈપીએસ અને તત્કાલીન પીઆઈ વ્યાસની ધરપકડ કરતા અગાઉ સીઆઈડી ક્રાઈમ દ્વારા આશિષ ભાટીયાના સૂચનથી ભોગ બનેલા એડવોકટ સુમેરસિંહનું ૧૬૪ મુજબ સ્ટેટમેન્ટ લેવાયેલઃ જે તે સમયે ૨૨ વર્ષ અગાઉ સર્વપ્રથમ આ તપાસ બોર્ડ રેન્જના તત્કાલીન આઈજી અને હાલ નિવૃત એવા ડી.કે. ધગલને સોંપાયેલઃ બોર્ડર રેન્જમાંથી તે સમયની તપાસનું રેકર્ડ મેળવવા ખાસ ટીમ ભૂજ પહોંચશેઃ પાલી (રાજસ્થાન)ની વર્ધમાન હોટલના રૂમ નં. ૩૦૫માં ડ્રગ્સ (અફીણ) હોવાનો કંટ્રોલ રૂમને ફોન કોણે કરેલો ? તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૬ :. હાઈકોર્ટના તત્કાલીન જસ્ટીસ આર.આર. જૈનના બહેનની રાજસ્થાનના પાલી ગામે આવેલી દુકાન કે જેનો કબ્જો એડવોકેટ સુમેરસિંહ રાજપુરોહીત પાસે હતો તે ખાલી કરાવવા માટે તત્કાલીન બનાસકાંઠા એસ.પી. સંજીવ ભટ્ટ અને હાલ બરતરફ પૂર્વ આઈપીએસ તથા અન્યો દ્વારા ઘડાયેલ કાવત્રાની હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ તપાસ ચલાવતી સીઆઈડી ક્રાઈમની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ સંજીવ ભટ્ટ તથા તત્કાલીન પીઆઈ વ્યાસના રિમાન્ડ મેળવવા પાલનપુર પહોંચ્યાનું ટોચના સૂત્રો જણાવે છે. સીઆઈડી દ્વારા ૧૪ દિવસની રિમાન્ડ મંગાનાર હોવાનું બહાર આવ્યુ છે.

સીઆઈડી ક્રાઈમ દ્વારા ટૂંકાગાળામાં આઈપીએસ કક્ષાના બીજા અધિકારીની ધરપકડ થઈ છે. સંજીવ ભટ્ટ અગાઉ અમરેલીના જે તે સમયના એસપી જગદીશ પટેલ અને તત્કાલીન પીઆઈ અનંત પટેલની પણ યોગાનુયોગ સીઆઈડી ક્રાઈમ દ્વારા જ ધરપકડ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ હેઠળ ગત જૂન માસમાં હાઈકોર્ટ દ્વારા આ ૨૨ વર્ષ જૂની તપાસ સીઆઈડી ક્રાઈમના કાર્યદક્ષ ડીજી કક્ષાના વડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ કરાવવાનો આદેશ થયેલ.

ઉકત આદેશ સંદર્ભે આશિષ ભાટીયાએ 'સીટ'ની રચના કરી તેમા તાજેતરમાં જ બીએસએફમાંથી ગુજરાત પેરેન્ટ કેડરમાં પરત આવેલા અનુભવી એડી. ડીજી કક્ષાના અજય તોમર, ડીઆઈજી દિપાંકર ત્રિવેદી તથા એસપી કક્ષાના વિરેન્દ્ર યાદવની નિમણૂક કરી હતી. સીટની તપાસ દરમિયાન પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને તત્કાલીન પીઆઈ વ્યાસ વગેરે કસુરવાન જણાતા તેમની ધરપકડ કરી હાઈકોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ મામલામાં હજુ વધુ ૯ ની ધરપકડ તોળાઈ રહી છે.

સીઆઈડી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પાલીમાં વર્ધમાન કોમ્પલેક્ષમાં આવેલી ૬ નંબરની દુકાન કે જે સુમેરસિંહે ભાડે રાખેલ તે ખાલી કરાવવા માટે આખુ કાવત્રુ રચવામાં આવેલ. આ દુકાનની પાવર ઓફ એટર્ની ફોતરમલ પાસે હતી. અત્રે યાદ રહે કે ઘટના સમયે શરૂઆતમાં આ તપાસ બોર્ડર રેન્જના તત્કાલીન આઈજી અને હાલ નિવૃત એવા એક સમયના રાજકોટના ડીસીપી ડી.કે. ધગલને સુપ્રત કરવામાં આવી હતી. સીઆઈડી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ડી.કે. ધગલ દ્વારા થયેલી તપાસના પેપરો પણ સીઆઈડી ક્રાઈમ દ્વારા બોર્ડર રેન્જ પાસે મંગાયાનું સૂત્રો જણાવે છે.

સીઆઈડી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ પોતાની દુકાન ખાલી કરાવવા માટે તત્કાલીન જસ્ટીસે જેની મદદ માંગેલી તેવા સંજીવ ભટ્ટ વિગેરેની ધરપકડ અગાઉ દુકાનના ભાડુત એડવોકેટ સુમેરસિંહનું ૧૬૪ મુજબ નિવેદન પણ સીઆઈડી વડા આશિષ ભાટીયાના સૂચનથી લેવાયુ છે. આ મામલે કુલ ૧૧ શખ્સોની સંડોવણી હોવાનું તપાસમાં ખુલતા વધુ ૯ની ધરપકડ થશે.

જે લાજવંતી હોટલના રૂમ નં. ૩૦૫માંથી અફીણ મળ્યુ તે રૂમ સુમેરસિંહને ફસાવવા તેમના નામે જ રૂમ બુક કરાવાયેલ. જો કે હોટલ રજીસ્ટરમાં તેના હસ્તાક્ષર કે સહીઓ ન હોવાથી એ હસ્તાક્ષર તપાસણી માટે એફએસએલને મોકલાયા છે. હોટલની માલિકી શાંતિલાલ ગુપ્તાની હતી. જેઓ હાલમાં હયાત નથી. તેમના પુત્ર અશોક દ્વારા હોટલ ચલાવાય છે. સીઆઈડી ક્રાઈમ એ બાબતની પણ શોધખોળ ચલાવાય રહી છે કે, હોટલમાં અફીણ હોવાનો કંટ્રોલ રૂમને ફોન કોના દ્વારા કરવામાં આવેલો ?

સંજીવ ભટ્ટની ધરપકડ કરવા સીઆઈડી ટીમ પહોંચી ત્યારે તેઓ દાઢી કરતા'તાઃ સીઆઈડી ટીમને ચાની ઓફર પણ કરેલ

કાવત્રુ ઘડવા માટે પ્રથમ બેઠક ૧૯૯૬ની ૨૬મી એપ્રિલે મળેલ : સંજીવ ભટ્ટ વિગેરેની સૂચના મુજબ રાજસ્થાનની પાલી પોલીસે ભોગ બનનારની સૌ પ્રથમ ધરપકડ કરેલઃ હોટલવાળા પણ સુમેરસિંહને ઓળખી ન શકતા સીઆરપીસી ૧૬૯ મુજબ મુકત કરવા અદાલતમાં માંગ થયેલ

સુમેર રાજપૂરોહિતે ખોટા કેસ બદલ જસ્ટીસ સામે પણ ફરીયાદ કરેલઃ જસ્ટીસનું નામ ફરીયાદમાં હોવાથી પોલીસે ફરીયાદ નોંધી ન હતીઃ પાછળથી સેશન જજે તત્કાલીન જસ્ટીસ સામે એફઆઈઆરનો આદેશ કરતા જસ્ટીસ વિગેરે દ્વારા સીબીઆઈ તપાસની માંગ થયેલ

રાજકોટ, તા. ૬ :. સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાના સીધા માર્ગદર્શન હેઠળ એડી. ડીજીપી અજયકુમાર તોમર અને ડીઆઈજી દિપાંકર ત્રિવેદી અને એસપી વિરેન્દ્ર યાદવના સુપરવિઝન હેઠળની ટીમ અચાનક ભારે ગુપ્તતાપૂર્વક સંજીવ ભટ્ટના બંગલે વહેલી સવારે પહોંચી ત્યારે તેઓ દાઢી કરતા હતા. તેઓએ સીઆઈડી ટીમને દાઢી પૂર્ણ કરી લેવા વિનંતી કરી. ત્યાર બાદ સીઆઈડી ટીમને ચાની ઓફર કરી પણ સીઆઈડી ટીમે નમ્રતાપૂર્વક નકારી કાઢેલ.

સંજીવ ભટ્ટ, તત્કાલીન પીઆઈ વ્યાસ વિગેરે સામે સજ્જડ પુરાવા સાંપડયા બાદ તેઓની ધરપકડ કરતા અગાઉ સીટ દ્વારા સીઆઈડીના ડીજીપી કક્ષાના સીઆઈડી વડા આશિષ ભાટીયાની સૂચના મુજબ ભોગ બનનાર એડવોકેટનું સીઆરપીસી ૧૬૪ મુજબ નિવેદન લેવામાં આવેલું.

સીઆઈડી ક્રાઈમ દ્વારા ચાલતી તપાસમાં હજુ વધુ ૯ની ધરપકડ થશે. કાવત્રા માટે ઉપયોગમાં લેવાયેલ હોટલ રાજવંતીનો રૂમ નં. ૩૦૫ સુમેરસિંહ રાજપુરોહીતના નામે બુક કરાવવામાં આવેલ. હોટલ રજીસ્ટરમાં તેના હસ્તાક્ષર ન હતા. સ્ટાફ પણ તેઓને ઓળખી શકયો નહીં. બીજી તરફ યોગાનુયોગ સંજીવ ભટ્ટના હેન્ડ રાઈટીંગ પણ એફએસએલમાં મોકલાયા છે.

હોટલના રૂમમાં અફીણ હોવાની માહિતી આપતો કંટ્રોલ રૂમને ફોન કોણે કરેલો ? તે બાબત હજુ સુધી તપાસમાં સ્પષ્ટ થઈ નથી. સીઆઈડી ક્રાઈમ આ બાબત જાણવા માટે ભારે સક્રીય બન્યાનું પણ સીઆઈડી સૂત્રો જણાવે છે.

(4:15 pm IST)