Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

તહેવારો બાદ ધોકો પછાડતા તલાટીઓ : રાજયભરમાં આંદોલન શરૂ : કલેકટરને આવેદન : ૧૦મીએ કાળી પટ્ટી

જોબચાર્ટનો અમલ-ઉચ્ચતર પગાર ધોરણ-જૂની પેન્શલ સહિતની માંગણીઓ : ૧૭મીએ પેનડાઉન : ર૯મીએ હડતાલ

રાજકોટ, તા. ૬ : રાજયની પંચાયતોમાં ફરજ બજાવતા ૧૧ હજારથી વધુ તલાટી કમ મંત્રીઓ આજથી લડતના માર્ગે આવી ગયા છે.

રાજયભરમાં જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે ત્યારબાદ તા. ૧૦થી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવશે. તેમ જાહેર કરાયું છે.

રાજયભરના પંચાયત તલાટી-મંત્રીઓના પ્રશ્ને સરકારમાં કરવામાં આવેલી રજુઆતના સંદર્ભમાં જણાવાયું હતું કે, બીજા સંવર્ગમાં જે પ્રકારે અપગ્રેડેશનનો લાભ કર્મચારીઓને આપવામાં આવ્યો છે તે પ્રકારનો લાભ પંચાયત તલાટીઓને આજ સુધી મળ્યો નથી (ર) સરકાર દ્વારા ૧૮૦૦ મહેસુલ તલાટીઓની ભરતી કરવામાં આવી ત્યારે તેઓની કામગીરી અંગે જે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવ્યો હતો તેનો અમલ આજ સુધી થયો નથી જેના કારણે પંચાયતના તલાટી-મંત્રીઓને ફરજ બજાવવી પડે છે. હાલમાં ૪૧૯૯ મહેસુલ તલાટીઓ ઉપલબ્ધ હોવા છતાં તેઓની કામગીરી પંચાયતના તલાટીઓ પાસે કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. (૩) ફિકસ પગારમાં જે તલાટી મંત્રીઓની નિમણૂંક થઇ છે તેઓને પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ પ્રકારના લાભ મળતા નથી તેઓને નવવર્ધિત પેન્શન યોજના હેઠળ જીવન નિર્વાહ જેટલું પેન્શન પણ મળતું નથી તેથી જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઇએ. આ પ્રકારના અનેક પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉકેલ નહીં આવતા તા. ૧૭ના સપ્ટે.ના પેન ડાઉન તા. ર૯ના માસ સીએલ મૂકી રાજયભરમાં દેખાવો અને તા. ર ઓકટો.ના ગાંધી જયંતિ દિને રાજયભરમાં ધરણામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું તલાટી મંત્રી મહામંડળ દ્વારા જણાવાયું હતું.

(11:46 am IST)